ABRSM – સુરત મહાનગર દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ”નું આયોજન

સુરતઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના નેજા હેઠળ આજ રોજ શાળા ક્રમાંક 353 મોટા વરાછા, સુરત ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. સદર માતૃશક્તિ વંદના કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના ઉપાધ્યક્ષા શ્રીમતી રંજનબેન ગોસ્વામીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈ.ચા. ઉપશાસનાધિકારીશ્રી નિમિષાબેન પટેલ અને ન. પ્રા. શિ. સ. ના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ કાપડીયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સદર કાર્યક્રમમાં જુદી જુદી શાળાની ૨૫૦ થી વધુ બહેનો અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ઇશ્વર વંદનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ સહ સંગઠન મંત્રી દક્ષિણ સંભાગ રમાબેન પદમાણી દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ HTAT સંવર્ગ સુરત મહાનગરના અધ્યક્ષ સ્નેહલબેન પટેલ દ્વારા સંગઠન અને તેના કાર્યક્રમોનો પરિચય કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મુખ્ય વક્તા ચંચલાજી ટોકરાવત, રાષ્ટ્ર સેવિકા સમિતિ, સુરત દ્વારા રાજમાતા અહિલ્યાબાઈ હોલ્કરના જીવન અને તેઓ દ્વારા સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યમાં કરેલ યોગદાન વિષયે વક્તવ્ય આપવામાં આવ્યું. વિશ્વ મહિલા દિન નિમિત્તે સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીની ભૂમિકાની વાત મૂકવામાં આવી. શિક્ષિકાબહેનો દ્વારા મૂલ્યલક્ષી ગુણો બાળકોમાં કેળવવાની વાત કરવામાં આવી હતી.
સાથે શાળાની બાલિકાઓને સશક્ત નારી બનાવવા શાળા કક્ષાએ કાર્ય થાય તે માટે પણ તેમના દ્વારા હાંકલ કરવામાં આવી. નારી એ માતૃ સ્વરૂપા છે, સંપૂર્ણ સમાજ જીવનનો આધાર માતૃશક્તિ છે. શ્રી રામ, કૃષ્ણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવા વ્યક્તિના નિર્માણમાં એક સ્ત્રી જ હતી. ભારતમાં સ્ત્રીઓને સંપૂર્ણ અધિકારો આપવામાં આવેલા છે.
ભારતમાં માતૃદેવો ભવ: નો મંત્ર પહેલા બોલવામાં આવે છે. સ્ત્રીના જીવનની ધન્યતા તેનું પરિવાર જીવન છે. સમાજ અને રાષ્ટ્રની ધરોહર સાચવવાનું કાર્ય એક શિક્ષક જ કરી શકે છે. એક જ સંતાનની ઝંખના પરિવારોને ડામાડોળ કરી રહી છે. રથના બે પૈડા જે સ્ત્રી અને પુરુષ બન્નેનું મહત્વ રહેલું છે. સ્ત્રીઓને શિક્ષણમાં સ્વનું રક્ષણ, કાયદાનું જ્ઞાન આપવાની વાત કરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા દ્વારા સર્વ મહિલાઓને વંદન કરી સમાજમાં તેઓના યોગદાન ને મહામૂલું ગણાવ્યું હતું. અંતમાં કાર્યક્રમનાં અધ્યક્ષ રંજનાબેન ગોસ્વામી દ્વારા મહિલાઓ એ ઘરની ચાર દિવાલોમાં ન રહેતા પરિવારની જવાબદારી માટે ઉંબરો ઓળંગીને બહાર આવવાની જરૂર છે. મહિલા ધારે તો સર્વોચ્ચ પદ પણ હાંસલ કરી શકે છે. મહિલાઓને સાચું સન્માન સમગ્ર વર્ષ દરમિયાન અને એમના જીવન સુધી સમગ્ર સમાજ તરફથી મળતું રહે તે બાબતે પોતાનો મત કર્યો હતો.
ત્યારબાદ સમાજ જીવન, શિક્ષણક્ષેત્રે તેમજ સેવાક્ષેત્રના જોડાયેલા કુલ 22 જેટલી શિક્ષિકા બહેનોને સન્માનીત કરવામાં આવ્યા. વિશેષ રૂપે શાળાની સફાઈ કરવાવાળી બેનશ્રીઓનુ સન્માન મુખ્ય મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર પ્રાથમિક સંવર્ગના મહિલા ઉપાધ્યક્ષા નીનાબેન દેસાઈએ માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં સન્માન મેળવેલ સૌ શિક્ષિકા બહેનોને અભિનંદન પાઠવ્યા અને આમંત્રિત સૌ મહેમાનોને પોતાની ઉપસ્થિતિથી સૌને પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને અંતે કલ્યાણમંત્ર બોલી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.