સુરત, ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પોતાના સંગઠનના વિસ્તરણ માટે અને ગુજરાતના તમામ 55000 બુથો પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તેના માટે આવતીકાલથી ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં દરેક તાલુકા, દરેક ગામ અને મોહલ્લાઓમાં આમ આદમી પાર્ટીને વધુને વધુ મજબૂત કરવા માટે કામ કરશે. ‘મિશન વિસ્તાર’ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે.
ગુજરાતમાં 2027માં જે વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે, તેને લક્ષ્યમાં રાખીને મજબૂત સંગઠનનું નિર્માણ અને નેતૃત્વ નિર્માણનું કામ પણ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. આવતીકાલે 9 જુલાઈના રોજ કચ્છથી આ કાર્યક્રમ શરૂ થશે અને 28 જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સહિત સંગઠનના તમામ મોટા નેતાઓ જિલ્લાઓમાં જઈને જિલ્લાઓની સમીક્ષા બેઠક કરશે અને અને સંગઠનમાં જવાબદારી આપવાનું કામ કરશે. ‘મિશન વિસ્તાર’ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, આ કાર્યક્રમ થકી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની જડો મજબૂત કરવાનું કામ કરશે.