સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા શનિવાર, તા. ૯ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘Mehndi Art – To Delight your Heart’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં નિષ્ણાત મહેંદી કલ્ચરના કો–ફાઉન્ડર નિમિષા પારેખે મહેંદી મૂકવાની કલાથી મનને શાંત રાખી જીવનમાં આનંદ કઇ રીતે મેળવી શકાય છે તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. માલતી શાહ મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમણે મંડલા આર્ટ વિષે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
મહેંદી કલ્ચરના કો–ફાઉન્ડર નિમિષા પારેખે જણાવ્યું હતું કે, અત્યારની જીવનશૈલીમાં લોકો ઘણી વખત તણાવ અનુભવતા હોય છે. જુદી–જુદી બાબતોની ચિંતાને કારણે લોકોનું માનસિક આરોગ્ય જોખમાય છે ત્યારે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે કોઇપણ એક કલાને રોજિંદા જીવનમાં ફોલો કરવી ઘણી જરૂરી બની જાય છે, આથી તેમણે મહેંદી મૂકવાની કલા, ગૃહિણીઓ તેમજ મહિલા સાહસિકોના મનને શાંત રાખીને જીવનમાં આનંદ કઇ રીતે મેળવી શકાય છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે મહિલાઓને દિવસમાં માત્ર ૧પ મિનિટ પોતાના માટે કાઢવાની સલાહ આપી તે સમયમાં મહેંદી મૂકવાની પ્રેકિટસ કરવાની સલાહ આપી હતી. આ સમયગાળા દરમ્યાન પોતાની જાતથી કઇ રીતે કનેકટ થઇ શકાય તે અંગેની ટિપ્સ અને ટેકનીક વિષે તેમણે જાણકારી આપી હતી. વર્કશોપમાં તેમણે મહિલા સાહસિકોને મહેંદીથી ડોટ મુકવાનું તેમજ લીટી દોરવાનું શીખવ્યું હતું. ડોટ અને લીટીથી ફુલ તથા અન્ય જુદી–જુદી ડિઝાઇન કઇ રીતે બનાવી શકાય તે પ્રેકટીકલી બધાને શીખવ્યું હતું. મહેંદીના કોનથી પ્રેકટીસ કરીને મનને કઇ રીતે શાંત રાખી શકાય તે અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય અને લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ વર્કશોપમાં ઉપસ્થિત રહયા હતા. લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સેક્રેટરી પ્લવનમી દવેએ સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતું. લેડીઝ વીંગના સભ્ય અલ્પા મદ્રાસીએ વકતા નિમિષા પારેખનો પરિચય આપ્યો હતો. સભ્ય બીના ભગતે સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ વર્કશોપનું સમાપન થયું હતું.