રક્તદાન ક્ષેત્રે એક અનોખો કાર્યક્રમ “રક્ત જીવન ઉત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો
ટ્રસ્ટ અને મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષમાં 1800 થી વધુ રક્તદાન શિબિરો યોજાયા

સુરત : શ્રી ગણપતિશંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ રક્તદાન ક્ષેત્રે એક અનોખો કાર્યક્રમ “રક્ત જીવન ઉત્સવ” સુરત અડાજન ખાતે રોયલ ડાઈન રેસ્ટોરન્ટમાં આયોજિત થયો હતો. શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને તેના સંચાલન હેઠળ ચાલતા ચાંલ્લાગલી યુવક મંડળ દ્વારા સિંગલ ડોનર પ્લેટલેટ્સ (SDP) તરીકે ઓળખાતા રક્તદાન ના એક પ્રકારનું રક્તદાન કરનાર 43 રક્તદાતાઓ અને મંડળ સાથે સંકળાય ને રક્તદાન શિબિરનું આયોજન કરતી 120 સંસ્થાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરોક્ત ટ્રસ્ટ અને મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષમાં 1800 થી વધુ રક્તદાન શિબિરો યોજાયા છે અને એક લાખથી વધુ રક્ત એકમ એકત્રિત કરવામાં આવ્યા છે.
શ્રી ગણપતિશંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી થેલેસેમિયાના બાળકોને સંપૂર્ણપણે નિશુલ્ક સારવાર આપી રહ્યું છે જેના માટે વર્ષે 4,000 જેટલા રક્ત યુનીટો ની જરૂર પડે છે આ જરૂરિયાતને પૂરી કરવા માટે લગભગ દર રવિવારે અલગ અલગ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરનું આયોજન કરનાર આયોજકોનો ઉત્સાહ વધારવા માટે અને સન્માનિત કરવા માટે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ મજમુદાર ઉર્ફે બટુક કાકા, પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયા અને અન્ય મહાનુભવોની હાજરીમાં ઉપરોક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં શિબિર આયોજકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી અંકુરભાઈ શાહના સંચાલનમાં ચાલતા આ મંડળના 43 એસ.ડી.પી. ડોનર્સનું પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં જાણીતા હેમેટ્રોલોજીસ્ટ અને અંન્કોલોજિસ્ટ ડોક્ટર અંકિતભાઈ પરમાર રક્તદાન અંગે લોકોને સમજ આપી સમાજમાં વધુને વધુ રક્તદાન થાય તેવી પ્રેરણા આપી હતી.