સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત ટુરીઝમના સહકારથી ગુરૂવાર, તા. ૧પ જૂન ર૦ર૩ ના રોજ બપોરે ૩:૩૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘ટુરીઝમ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ ટુરીઝમ કોન્કલેવ યોજવા પાછળનો મુળ હેતુ આજસુધી પ્રવાસન ક્ષેત્રે ફરવાલાયક સ્થળો વિષે ખૂબ ચર્ચાઓ થઇ છે પણ પ્રવાસ આયોજનમાં મુળ બાબતો કઇ કઇ ધ્યાનમાં રાખવી ? કયા પ્રકારની પૂર્વ તૈયારી કરવી જોઇએ ? હોટલની શ્રેણી અને વર્ગીકરણ શું છે ? ગર્વમેન્ટની ટુરીઝમ પોલિસી શું હોય છે ? તેની ચર્ચા કયારેય નથી થઇ તો આ ટુરીઝમ કોન્કલેવમાં ફરવાના સ્થળો ઉપરાંત અન્ય પાસાઓ પર ફોકસ કરવામાં આવશે.
આ કોન્કલેવમાં ગુજરાત ટુરીઝમ તરફથી ખ્યાતિ નાયક ગુજરાત સરકારની ટુરીઝમ પોલિસી, ગુજરાત ટુરીઝમમાં રોકાણની તકો વિષે માહિતી આપશે. આ ઉપરાંત તેઓ સિનેમેટિક ટુરીઝમ, એગ્રો ટુરીઝમ, મેડીકલ એન્ડ વેલનેસ ટુરીઝમ, ઇકો ટુરીઝમ, એડવેન્ચર ટુરીઝમ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ ટુરીઝમ, ગોલ્ફ ટુરીઝમ, સ્પોર્ટસ ટુરીઝમ અને સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સીબલ ટુરીઝમ તથા પ્રમોશન, માર્કેટ રિસર્ચ તેમજ ‘સી ધ સિનિક બ્યુટી ઓફ ગુજરાત’ વિષે વિસ્તૃત જાણકારી આપશે.
પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અનંતા હોટેલ એન્ડ રીસોર્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ ગગન કટયાલ ‘હોટલ અને રીસોર્ટ’ની માહિતી આપશે. ટુરીઝમમાં પીએચડી કરનાર ડો. મધુ ગોપાલન ‘ટ્રાવેલ વ્યવસાય – સૈદ્ધાંતિક મુલ્યો અને જવાબદારી’વિષે જાણકારી આપશે. જ્યારે સંજીવ કુમાર સંજુ ‘વિયેતનામ – એક લોકપ્રિય ટુરીસ્ટ આકર્ષણ’ની માહિતી આપશે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્ર માટેના આ રસપ્રદ પરિસંવાદમાં ભાગ લેનારાઓને દેશ– વિદેશના રમણીય પ્રવાસન સ્થળો વિષે રસપ્રદ માહિતી આપવામાં આવશે. ગુજરાતની પ્રવાસન ક્ષેત્રે હરણફાળ પ્રગતિની સફળ યાત્રા વર્ણવાશે. પ્રવાસ આયોજન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોથી અવગત કરાવાશે.
હોટલ અને રિસોર્ટ ક્ષેત્રે છેલ્લાં દસ વર્ષમાં થયેલી પ્રગતિનો ચિતાર, બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે હોટલની પસંદગી કરવામાં લોક માનસનો બદલાયેલો પ્રવાહ તેમજ હોટલ, રિસોર્ટ, હોમસ્ટેના માપદંડ ઉપરાંત હોટલની શ્રેણી, વર્ગીકરણ વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
ટ્રાવેલ એજન્ટની જવાબદારી શું છે ? મુળભુત સૈદ્ધાંતિક મૂલ્યો શું છે ? પ્રવાસી માટે ટુરનું આયોજન કરવા પાછળ ટુર એજન્ટોએ ખાસ શું ધ્યાનમાં રાખવું ? કે જેથી કરીને પ્રવાસીઓનો પ્રવાસ સુગમ અને સગવડદાયક બને. વ્યવસાયિક જવાબદારી અને તેનું વહન કઇ રીતે કરવું ? ઉપરાંત પ્રવાસીઓએ પણ પ્રવાસ આયોજન કરતા પહેલાં કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત છણાવટ કરવામાં આવશે.
ચેમ્બરની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કમિટીના એડવાઇઝર વિનેશ શાહે જણાવ્યું હતું કે, આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય વિદેશનું આકર્ષણ વિયેતનામ રહયું છે તો તેના વિષે ટુર ઓપરેટર અને પ્રવાસીઓને પણ તેની માહિતી ઓછી છે તો ત્યાં ફરવાલાયક સ્થળો કયા છે ? પ્રવાસ દરમિયાન શું સાવચેતી રાખવી ? ત્યાંના નિતિ – નિયમો અને વિઝા પ્રક્રિયા, ફલાઇટના વિકલ્પો વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
તદુપરાંત ટ્રાવેલ એજન્ટના સૈદ્ધાંતિક મુલ્યો અને જવાબદારી વિષે જાણકારી અપાશે. હોટલ અને રિસોર્ટની આંતરીક જાણકારી અને શ્રેણી વર્ગીકરણ અંગે માહિતી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોન્કલેવના આયોજનમાં સુરતના સ્થાનિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશન જેવા કે TAAPI, SATA, TAAI, SGTCA અને SHARA નો પણ સહકાર પ્રાપ્ત થયો છે.