સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શનિવાર, તા. ર૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્ટેડિમય, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન ‘ગ્રેસફુલ જેમ્સ – ઇન એપ્રિસિએશન ઓફ વુમન એમ્પાવરમેન્ટ’વિષય ઉપર સેશન યોજાયું હતું. જેમાં સુરત ટ્રાફિકના નાયબ પોલિસ કમિશ્નર અમિતા વાનાણી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. તેમણે સ્પાર્કલ એકઝીબીશનમાં દરેક જ્વેલરી સ્ટોલની મુલાકાત લીધી હતી.
ઉપરોકત સેશનમાં નિષ્ણાત વકતા તરીકે કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના માલિક તુષાર ચોકસી, પચ્ચીગર એન્ડ સન્સ જ્વેલર્સના માલિક સ્નેહલ પચ્ચીગર અને પુર્વી પચ્ચીગર તથા જ્વેલ સ્પ્રીન્ગ ડિઝાઇન સેન્ટરના માલિક સોનાલી શાહ શેઠે અવનવી ડિઝાઇનર જ્વેલરી તથા હેરીટેજ જ્વેલરી, જળાઉ કુંદન પોલ્કી જ્વેલરી અને હાઇ કવોલિટી સાથેની જ્વેલરી વિષે પ્રેઝન્ટેશન આપી વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સ્ત્રી અને ડાયમંડ – જ્વેલરી એકબીજાના પૂરક છે. જ્વેલરી અને સ્ત્રી બંને એકબીજા વગર અધૂરા છે અને જ્વેલરી સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે. જ્વેલરીથી બાહય ચમક આવે છે પણ મહિલા સાહસિકોની આંતરિક શકિત એ તેમનું મકકમ મનોબળ હોય છે. બિઝનેસમાં પણ સ્ત્રી પોતાના મકકમ નિર્ધારની સાથે સફળ થઇ રહી છે અને નવી ઊંચાઇ હાંસલ કરી રહી છે.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા સેશનમાં હાજર રહયા હતા. વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કો–ચેરપર્સન રોશની ટેલરે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય અમાનત કાગઝીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું અને મુખ્ય મહેમાનનો પરિચય આપ્યો હતો. જ્યારે અન્ય સભ્યો અંકિતા વાળંદ, ધારા શાહ અને બીના ભગતે નિષ્ણાત વકતાઓનો પરિચય આપ્યો હતો.