સુરત

માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

ચોમાસા પૂર્વે ગટર લાઇન, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટના કામો ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ કરતા મંત્રી કુંવરજીભાઇ હળપતિ

સુરતઃસુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, બાંધકામ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી વધુ પારદર્શક બનાવવાની સાથે વિકાસ કામોની સમીક્ષા કરી હતી.

બેઠકમાં વિવિધ વિભાગના કર્મચારીઓને વિકાસ કાર્યો ઝડપી પૂર્ણ કરવા માટે મંત્રીએ તાકીદ કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ પૂર્વે રોડ-રસ્તા, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ અને ગટર લાઇન, શૌચાલય, પીવાના પાણીની લાઈન, પેવર બ્લોક, હેડ પમ્પ, નદી નાળા પરના પુલ, એલઈડી સ્ટ્રીટ લાઈટ, ગ્રામ તળાવ, સી.સી.ટીવી કેમેરા સહિત વિવિધ ક્ષેત્રના ચાલી રહેલા કાર્યો ઝડપી પુર્ણ થાય તે જરૂરી છે. પ્રાથમિક સુવિધાના કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવા માટે સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.

વધુમાં મંત્રી કુંવરજીભાઇ હળપતિએ અધિકારીઓને સત્વરે પ્રજાના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલી લાવી સમસ્યાઓ દૂર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ, માંડવી તા.પં.ઉપપ્રમુખ આતિશભાઈ ચૌધરી, તા.પંચાયતના એસઓ સુનિલભાઈ ગામીત, આસિસ્ટન્ટ ટીડીઓ હંસાબેન ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય, ગામ પંચાયત સભ્ય સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button