સેકન્ડરી સ્ટીલ ઉત્પાદકો અને કન્ઝયુમરોના સૂચનો અંગે વિચાર વિમર્શ કર્યા બાદ નવી સેકન્ડરી સ્ટીલ પોલિસી બનાવવામાં આવશે : કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રકાશ સિંઘ
સુરત. ભારત સરકારના સ્ટીલ મંત્રાલય, ગુજરાત સરકાર, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ બપોરે રઃ૩૦ કલાકે સુરત મેરીયોટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે સેકન્ડરી સ્ટીલ ઉત્પાદકો અને કન્ઝયુમરો તથા કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રકાશ સિંઘ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે કોકીંગ કોલનું ૮પ ટકા ઇમ્પોર્ટ થાય છે અને એનો ઉપયોગ બ્લાસ્ટ ફર્નેશમાં કરવામાં આવે છે. આ ક્ષેત્રે જો ઇલેકટ્રીક બ્લાસ્ટ ફર્નેશ વાપરવામાં આવે અને કોલસાની જગ્યાએ વીજળીથી જો આ કામ થઇ શકે અને તેમાં પણ સોલાર વીન્ડ તથા અન્ય રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી ઇલેકટ્રીક બ્લાસ્ટ ફર્નેશમાં સ્ટીલનું ઉત્પાદન થઇ શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટે નવી સેકન્ડરી સ્ટીલ પોલિસીમાં તેને ઇન્સેન્ટીવ આપવા માટે તેમણે કેન્દ્રીય સ્ટીલ મંત્રી સમક્ષ માંગ કરી હતી. વધુમાં તેમણે કહયું કે, સ્ટીલ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને તે દિશામાં ચેમ્બર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રકાશ સિંઘે સેકન્ડરી સ્ટ્રીલ ઉત્પાદકો અને કન્ઝયુમરોને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ર૦૩૦ સુધી રપપ મિલિયન મેટ્રીક ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની નેમ છે. હાલ વાર્ષિક ૧ર૦ મિલિયન મેટ્રીક ટન સ્ટીલનું ઉત્પાદન થાય છે. જો કે, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વાર્ષિક પ૦૦ મિલિયન મેટ્રીક ટન સ્ટીલ મેન્યુફેકચરીંગનું લક્ષ્ય છે. વિશ્વમાં ભારત ચાઇના પછી સ્ટીલ ઉત્પાદનમાં બીજા નંબરે છે, પરંતુ ભારતનું વાર્ષિક ઉત્પાદન ૧ર૦ મિલિયન મેટ્રીક ટન છે. જ્યારે પ્રથમ નંબરે ચાઇનાનું ઉત્પાદન ૧૦૦૦ મિલિયન મેટ્રીક ટન છે. આથી પહેલા અને બીજા નંબર વચ્ચે વિશાળ ગેપ છે, જેને ઘટાડવા પ્રયાસ કરવાના છે.
દેશમાં રોકાણ વધશે ત્યારે જ મેન્યુફેકચરીંગ વધશે અને વધુ રોજગારી પણ નિર્માણ થશે. આથી મેન્યુફેકચરીંગ એકટીવિટી વધારવા માટે જ ભારત સરકાર દ્વારા પીએલઆઇ સ્કીમ અમલમાં લાવવામાં આવી છે. જેનો લાભ લઇને સેકન્ડરી સ્ટીલના ઉત્પાદકોએ પ્રોડકશન વધારવાનું છે અને ડોમેસ્ટીક માર્કેટમાં સ્ટીલની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ એકસપોર્ટ વધારવાની દિશામાં આગળ વધવાનું છે.
ઇન્ટરેકટીવ સેશનમાં સેકન્ડરી સ્ટીલ ઉત્પાદકો દ્વારા ગેસ સપ્લાય ઉપર જીએસટી લગાવવા, એકસપોર્ટ ડયુટી કાઢી નાંખવા અને ડોમેસ્ટીક માર્કેટમાં સ્ટીલની જરૂરિયાત મુજબ રો મટિરિયલની પૂર્તતા કરવા માટે કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરી સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જે અંગે કેન્દ્રીય સ્ટીલ મંત્રીએ જણાવ્યું હતું કે, દરેક સૂચનો અંગે વિચાર વિમર્શ કર્યા બાદ જ સરકાર દ્વારા નવી સેકન્ડરી સ્ટીલ પોલિસી બનાવવામાં આવશે.
ભારત સરકારના સ્ટીલ મંત્રાલયના એડીશનલ સેક્રેટરી રસિકા ચૌબેએ સ્ટીલ મંત્રાલય દ્વારા સ્ટીલ ઉદ્યોગના વિકાસ માટે જે કામગીરી કરવામાં આવી રહી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે સ્ક્રેપ પરની ડયૂટી હટાવી દીધી છે અને સ્ટીલ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે પીએલઆઇ સ્કીમ લાવી રહયા છે.
ગુજરાત સરકારના જોઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એન.એસ. શ્રીમાળીએ ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ, મહેસાણા અને પંચમહાલ ખાતે પ૭૦ થી વધુ કંપનીઓ સ્ટીલ સેકટરમાં કામ કરી રહી છે. આ એમએસએમઇ કંપનીઓ ગુજરાત સરકારની ન્યુ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ર૦ર૦ નો લાભ લઇ કેપીટલ એન્ડ ઇન્ટરેસ્ટ સબસિડીનો લાભ લઇ શકે છે તેમ તેમણે સ્ટીલ ઉત્પાદકો તેમજ કન્ઝયુમરોને જણાવ્યું હતું.
આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના એકઝીકયુટીવ ડાયરેકટર એમ.સી. અગ્રવાલે SAIL ની પ્રવૃત્તિઓ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સમગ્ર સેશનનું સંચાલન અંબરીશ ચક્રબોર્તીએ કર્યું હતું. અંતે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.