
હજીરા, સુરત : અદાણી હજીરા પોર્ટ ઉપર આજે અચાનક જ ગેસ લીકેજ થયાના સમાચાર આવ્યા હતા. એ સમાચાર થોડા જ સમયમાં નજીકની કંપનીઑ, સ્થાનિક વહીવટી તંત્ર, ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રૂપથી લઈને એનડીઆરએફ સુધી પહોચ્યા હતા. બધા જ સ્તરની સતર્કતા ચકાસવા અને આવી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવુંની સમજ કેળવવા માટે આ એક મોકડ્રીલ હતી. જેનું આયોજન અદાણી હજીરા પોર્ટના સીઈઓએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કર્યુ હતું.
હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટ ખાતેના ગેટ નંબર ૧ ખાતે બપોરે ૨.૩૦ વાગે અચાનક એક્રેલોનિટ્રાઇલ કેમિકલ ભરેલી ટેન્કમાંથી ઝેરી ગેસ લીકેજ થયો અને પછી એમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ સિક્યુરિટીએ કરતાં કંપનીના ફાયર ટેન્કર, એમ્બ્યુલન્સ સહિતના સાધનો અને અને માણસો સ્થળ ઉપર પહોચી ગયા હતા. ગેસ અને આગના કારણે માણસોને પણ અસર થઈ હોવાનું લાગતાં અનેક વડાને જાણ કરી આખરે આ લેવલ-૩ની ઈમરજન્સી જાહેર કરીને જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતી વધુ વિકટ બનતા હજીરા વિસ્તારની કંપનીને જાણ કરીને એમની મદદ પણ લેવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા સમજીને સુરત શહેરના પ્રાંત અધિકારી વિ.જે.ભંડારી, ઓલપાડના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ તથા જીપીસીબીના રિજયોનાલ અધિકારી જીજ્ઞાબેન ઓઝા સહિતના અધિકારીઓએ ધટના સ્થળે પહોચ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ફાયર ટેન્કર તથા આરોગ્યની એમ્યુલન્સ પણ આવી પહોંચી હતી. ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ કમાન્ડ સ્થળ પર પહોંચીને વિશ્લેષણ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને જાણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની ટીમ ગેટ-1 થી સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લિધી હતી. તેઓની ટીમ દ્વારા વધુ એક વ્યક્તિને રેસ્કયુ કરી સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ગ્રીન સિગ્નલ આપતા મોકડ્રીલ પુર્ણ કરવામાં આવી હતી. આ કવાયત રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ, અને ન્યુક્લિયર લીકેજની સ્થિતિમાં કેવી હોય શકે એનું આકલન કરતી હતી.
અદાણી હજીરા પોર્ટના સીઈઓ નિરજ બંસલે જણાવ્યુ હતું કે, આ કવાયતએ તમામ સંબંધિતોને અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, જે તેમને અમારી કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા અને વધારવાની મંજૂરી આપે છે. આવા સહયોગી પ્રયાસો દ્વારા જ અમે અણધાર્યા પડકારોનો સામનો કરવા માટે અમારી સ્થિતિસ્થાપકતા અને તત્પરતાને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ.
અદાણી હજીરા પોર્ટ લિમિટેડની સાથે આજે યોજાયેલી મોકડ્રીલ કવાયતમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ-સુરત, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર-સુરત, ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જેવી સરકારી કચેરીની સાથે જ મેનેજમેન્ટ ઓથોરિટીઝ, હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે શેલ, એએમએનએસ, ક્રિભકો, એનટીપીસી, રિલાયન્સ, ઓએનજીસી, ગેઇલ વગેરે જોડાયા હતા.