જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સુરત ક્રેડાઈના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ
તા.૧ થી ૧૮ જુલાઈ દરમિયાન સુરત જિલ્લાની બિનખેતીની અને અન્ય સેવાઓની ૧૦૯૧ અરજીઓનો સમયસર, ઝડપી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો

સુરત ક્રેડાઈના હોદ્દેદારો સાથે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી ટી.પી. કપાત, બિનખેતી જેવા મહેસૂલી પ્રશ્નો સાંભળ્યા હતા. બેઠકમાં જંત્રીના વધેલા ભાવની સાપેક્ષમાં ટુકડધારાના દંડ ઘટાડવા, સિટી સર્વેને લગતા પ્રોપર્ટી કાર્ડમા સુધારા તથા તેને iORA માં ઓનલાઈન કરવા, ગણોતધારાની કલમ 63ABની કાર્યવાહીને iORAની બિનખેતીની અરજી સાથે સંકલિત કરી નિરાકરણ લાવવા, અશાંતધારાની અરજીનો નિયત સમય મર્યાદામાં નિકાલ કરવા અંગેની ક્રેડાઈના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેનો યોગ્ય અને સંતોષકારક ઉકેલ લાવવાની કલેકટરશ્રીએ ધરપત આપી હતી. આ ઉપરાંત, રેવેન્યુ, ટી.પી.સ્કીમ, નોન ટી.પી. કપાત, ડી.આઈ.એલ.આર.માં સમયસર અરજીઓનો નિકાલ, બિનખેતીને લગતા પ્રશ્નો, દસ્તાવેજ કરતી વખતે વેચનાર અને ખરીદનારના આધાર વેરિફિકેશનની માંગણી, ભાઠા ગામનો રિસર્વે કરવામાં આવે જેવા મુદ્દે રજૂઆતો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વધુમાં મુખ્યમંત્રી તથા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ સ્વરૂપે iORA પોર્ટલ પર ગત તા.૧ થી ૧૮ જુલાઈ દરમિયાન સુરત જિલ્લાની બિનખેતીની અને અન્ય સેવાઓની ૧૦૯૧ ઓનલાઈન અરજીઓનો સમયસર, ઝડપી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો, જે અંગે ક્રેડાઈના હોદ્દેદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં ક્રેડાઈ દ્વારા મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ સાથે થયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે સંદર્ભે શ્રી દાસે તમામ જિલ્લા કલેકટરશ્રીઓને ક્રેડાઈના પ્રશ્નો સાંભળવા માટે સૂચના આપી હતી. જેને ધ્યાનમાં રાખી સુરત ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી વાય.બી.ઝાલા, ડે. કલેક્ટર(લેન્ડ રેવન્યુ) શ્રી એમ.એમ.પટેલ, ચિટનીશ શ્રી જિજ્ઞેશ જીવાણી, મામલતદારશ્રી પંકજ દેસાઈ, ક્રેડાઈ(સુરત)ના પ્રેસિડેન્ટશ્રી સંજયભાઈ માંગુકિયા, ચેરમેનશ્રી રવજીભાઈ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ સર્વશ્રી જી.આર.આસોદરિયા, ડો.જિજ્ઞેશ પટેલ, વિજય ધામેલીયા, સેક્રેટરી ભાવેશ સંઘવી, અન્ય હોદ્દેદારો અમર રાવલ, તુષાર લખાણી, ઉમેશ પટેલ, દીપન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.