મુગલીસરા ખાતે મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ
તમામ ઝોન વિસ્તારમા મોલ અને શોપિંગ સેન્ટર પર મતદારોની અવર જવર વધુ હોય ત્યાં મતદાન જાગૃતિ અંગેના બેનરો પ્રદર્શિત કરવામાં આવશે

સુરત: અગામી લોકસભાની સામન્ય ચુંટણીમાં મોલ, મોટા શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવતા મતદારો અવશ્ય મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અધિકારી અને કર્મચારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP)ના નોડલ ઓફિસર અને ડે. મ્યુનિ. કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ (IAS) નાં માર્ગદર્શન અને સુચના અનુસાર આસી. મ્યુનિ. કમિશ્નરઅને નોડલ ઓફિસર (સ્વિપ) અજય એચ. ભટ્ટ, સ્પે.ઓફીસર અને કાર્યપાલક ઈજનેર રાકેશ.એન.મોદીની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નર, ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર, UCD વિભાગના પ્રોજેક્ટ મેનેજર, આકારણી અને વસુલાત અધિકારી અને ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર એમ કુલ ૫૦ થી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમા સમાવિષ્ટ મોલ અને શોપિંગ સેન્ટર પર જ્યાં મતદારોની અવર જવર વધુ હોય ત્યાં મતદાન જાગૃતિ અંગેના બેનરો પ્રદર્શિત કરવા અને જ્યાં એલઇડી સ્ક્રીન ઉપલબ્ધ છે ત્યાં વિડીયો બેનરના માધ્યમથી દરેક મતદારો અવશ્ય મતદાન કરે તે પ્રકારના મતદાર જાગૃતિ અંગેના બેનર ડિસ્પ્લે થાય તે મુજબની કામગીરી કરવામાં માટે સુચનો આપ્યાં હતા. ઉપરાંત મોલ, મોટા શોપિંગ સેન્ટરનું સંચાલનકર્તા ધ્વારા પણ મતદાન જાગૃતિ અંગે મહત્તમ મતદાન કરવા પ્રચાર થાય તે માટે અપીલ કરવામાં આવી હતી.
વધુમાં, ICDS વિભાગ આંગણવાડી કાર્યકર્તા અને UCD વિભાગ સાથે સંકળાયેલ સ્થાયી મહિલા મંડળો સાથે સંકલન કરી જે વિસ્તારમાં ભૂતકાળમાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા અને સ્ત્રી-પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.