સુરત

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક મળી

ખાડી પૂરની સ્થિતિનો કાયમી નિકાલ આવે તે માટે લાંબાગાળાનું આયોજન હાથ ધરવાનો અનુરોધ કરતા પ્રભારીમંત્રી

સુરત મહાનગરપાલિકાની પ્રવર્તમાન વરસાદી સ્થિતિ અને પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લા પ્રભારી અને નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ચોમાસાની ઋતુ દરમિયાન ખાડીપુરની સ્થિતિનું લાંબાગાળા માટે કાયમી નિરાકરણ થાય તે માટે સૌને સાથે મળીને આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ખાડીના પાણીને ડાયવર્ટ કરી શકાય કે કેમ તે અંગે સિંચાઈ વિભાગ સાથે મળીને સર્વે કરવા જણાવ્યું હતું. અસરગ્રસ્તોનો તત્કાલ સર્વે કરીને કેશડોલ્સ, માનવ મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી, સાફ સફાઈ સહિતની કામગીરી તત્કાલ થાય તે દિશામાં કામ કરવાની સુચના મંત્રીશ્રીએ આપી હતી.

સુરત મનપા તંત્રના અધિકારીઓએ ભારે વરસાદને કારણે શહેરમાં આવેલી ખાડીઓમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી સમગ્ર કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. અત્યાર સુધીમાં છ ઝોનના ૧૮ વિસ્તારોમાંથી ૧૦૨૨ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી ફાયર વિભાગ દ્વારા ૪૭૨ વ્યકિતઓને બોટ મારફતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રેસ્કયુ સેન્ટર તથા પાણીગ્રસ્ત વિસ્તારોમાં ચાર દિવસ દરમિયાન ૫૮ હજાર ફુડ પેકેટ વિતરણ સહિતની કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં જયાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં તત્કાલ ૨૦૬ સુપર વાઈઝરો અને ૩૭૨૬ સફાઈ કર્મીઓની ટીમ બનાવી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસમાં ૫૭૦ મેટ્રીક ટન ઘન કચરાનો નિકાલ કરાયો છે, તથા ૨૧૯૭૦ કિ.ગ્રા. લાઇમડસ્ટ અને ૪૭૦૦ કિ.ગ્રા. મેલેથિઓનનો છંટકાવ કરવામાં આવ્યો હોવાની વિગતો આપી હતી.

મચ્છરજન્ય, વાહકજન્ય રોગ નિયંત્રણ માટે શહેરમાં વીબીડીસી વિભાગના પ૯૪ સર્વેલન્સ વર્કર મારફત ૨,૭૧,૬૫૨ ઘરોમાં ૯,૫૦,૪૩૨ વ્યક્તિઓનો સર્વે કરી ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરીની વિગતો તંત્રએ આપી હતી.
ભારે વરસાદના કારણે શહેરમાં ૧૭૨ વૃક્ષો ધરાશાયી થતા નિકાલ માટે ૩૦ ટીમો બનાવી રાઉન્ડ ધ કલોક કામગીરી હાથ ધરીને નિકાલ કરાયો હતો. કંમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી જ્યાં પણ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યાં બચાવ, રાહત સહિત તમામ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો મ્યુ.કમિશનરે આપી હતી.

બેઠકમાં મેયર દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્ય  વિનુભાઈ મોરડીયા, પ્રવિણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, સંગઠન પ્રમુખ નિરંજનભાઇ ઝાઝમેરા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજન પટેલ, મ્યુ.કમિશનર  શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button