બિઝનેસસુરત

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગ કમિશ્નર સાથે ઉદ્યોગકારોની મિટીંગ મળી, ઉદ્યોગકારો દ્વારા વિવિધ રજૂઆતો કરાઇ

ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલેએ ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોનું ટુંક સમયમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. રર નવેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલે (IAS) સાથે ઉદ્યોગકારોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના કલેકટર આયુષ ઓક (IAS) અને જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ નીલ શ્રીમાળી તથા અન્ય અધિકારીઓ તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦ર૪ના પૂર્વાર્ધ રૂપે તા. ર૩ નવેમ્બર, ર૦ર૩ના રોજ સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે સવારે ૯.૩૦ કલાકે ‘ફયુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્ષ્ટાઇલ વિઝન’ના થીમ પર ટેક્ષ્ટાઇલ અને એપેરલ સેકટર માટે સેમિનાર યોજાશે, જેમાં તમામ ઉદ્યોગકારોને હાજર રહેવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

મિટીંગમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ વિવિધ પ્રશ્નોની ઉદ્યોગ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યત્વે ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯ અંતર્ગત મંજૂર થયેલી અરજીઓનું ડિસ્બર્સમેન્ટ કરવા રજૂઆત કરાઇ હતી. ઉદ્યોગકારોના રૂપિયા ૧૦ કરોડથી વધુના કલેઇમ કે જે સ્ટેટ લેવલ એમ્પાવર કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે છે તે મંજૂર થઇ શકે તે માટે કમિટી મિટીંગ ગોઠવવા માટે અનુરોધ કર્યો હતો. પીએમ મિત્રા પાર્ક વહેલી તકે શરૂ થાય તે માટે રજૂઆત કરાઇ હતી.

આ ઉપરાંત વિવિંગ, નીટિંગ, એમ્બ્રોઇડરી પ્રિપરેટરી વિગેરે પ્રવૃત્તિ કરનારા ટેક્ષ્ટાઇલ એકમોને ગુજરાત સરકારની અન્ય સ્કીમોનો લાભ મળે તે અંગે રજૂઆત કરાઇ હતી. નોંધનીય છે કે, આ એકમોને માત્ર ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯નો જ લાભ મળે છે. તદુપરાંત નવી ટેક્ષ્ટાઇલ સ્કીમને તાત્કાલિક જાહેર કરવા વિનંતી કરવામાં આવી હતી.

ઉદ્યોગકારોની વિવિધ રજૂઆતોને સાંભળ્યા બાદ ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલેએ ટુંક સમયમાં ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરી મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી, ગુજરાતના પૂર્વ મંત્રી નાનુભાઇ વાનાણી, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ગોંડલીયા તથા રમણ મેગોટીયા, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન તરફથી સુનિલ શાહ, સરકયુલર નીટર્સ એસોસીએશન તરફથી વિષ્ણુજી, સુરત ડાયમંડ બુર્સના સીઇઓ મહેશ ગઢવી અને સુરત જ્વેલરી મેન્યુફેકચરીંગ એસોસીએશનના ઉપ પ્રમુખ અમિત કોરાટ તથા અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button