બિઝનેસસુરત

ચેમ્બર ખાતે દક્ષિણ ગુજરાતના જીઆઈડીસી સંબંધિત પ્રશ્નો અંગે ઉદ્યોગકારો અને જીસીસીઆઈની બેઠક યોજાઈ

બેઠકમાં દક્ષિણ ગુજરાતની ૧૦થી વધુ જીઆઈડીસીઓએ પોતાના પ્રશ્નો પ્રસ્તુત કર્યા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો સાથે જીઆઈડીસી સંદર્ભે વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવા તા. ૦૨ નવેમ્બર ૨૦૨૩, ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના રિજિયોનલ સેક્રેટરી પ્રશાંત પટેલ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના જીઆઈડીસી કમિટીના ચેરમેન અજિત શાહની સાથે કમિટીના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સાથે જ તેમણે નાના-નાના પ્રશ્નોનો સાથ-સહકારથી ઉકેલ લાવી ઉદ્યોગને આગળ વધારવું મહત્વનું છે તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની જીઆઈડીસી કમિટીનો ઔદ્યોગિક પ્રશ્નોના નિરાકરણમાં અને વિકાસમાં મહત્વનો ફાળો છે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીના રિજિયોનલ સેક્રેટરી પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ‘ સામાન્ય રીતે જીઆઈડીસી અને ઉદ્યોગને લગતાં પ્રશ્નો બે પ્રકારના હોય છે. પહેલા હોય છે સ્થાનિક સ્તરના, જેમનું નિવારણ સ્થાનિક એસોસિએશન અને ચેમ્બરની મદદથી પણ કરી શકાય છે. જ્યારે બીજો પ્રશ્ન હોય છે સરકારની પોલિસીઓ સંબંધિત જેમાં તમામ એસોસિએશન અને ચેમ્બરના સાથ સહકારથી તેનો ઉકેલ લાવવો પડે છે. તેમણે આ પ્રસંગે જીઆઈડીસી સંબંધિત પ્રશ્નોના નિરાકરણમાં શક્ય તેટલું મદદરૂપ થવાની વાત કરી હતી.’

મિટીંગમાં ઓટીએસ સ્કીમ વિશે, સચિન જીઆઈડીસી પાસેથી જીઆઈડીસીના સાથે વસૂલાતાં મનપાનો ટેક્સ અને જીએસટી ટેક્સ ભરવા અંગે ચર્ચા કરાઈ હતી. સાથે જ મિટીંગમાં જીઆઈડીસી સાથે સંકળાયેલ નોટિફાઈડની સમસ્યા, અનયુટીલાઈઝેશનની સમસ્યા, ડબલ ટેક્સ, જીએસટી, સ્ટેમ્પ ડ્યુટીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે તમામ એસોસિએશન સહમત થતા આગામી સમયમાં સરકાર સમક્ષ સમસ્યાઓ અને તેના નિરાકરણ સાથે રજૂઆત કરવામાં આવશે તેમ સર્વાનુમતે જણાવવામાં આવ્યું હતું.

મિટીંગમાં કેટલીક જીઆઈડીસીઓને આપેલા પ્લોટને યુટીલાઈઝ કરવાનો અને તે સંદર્ભે એક્સટેશન આપવાના પ્રશ્નની સાથે રાજ્યની પ્રથમ જીઆઈડીસી ઉમરગામ જીઆઈડીસીના પાર્કિંગ પાર્ક પ્લોટના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી. તમામ જીઆઈડીસી હોદ્દેદારોનું માનવું છે કે, સરકારની તમામ પોલિસીઓને સરળ બનાવવી જોઈએ. તથા ઈન્ડ્સ્ટ્રીયલ બોર્ડમાં ઓછામાં ઓછા જીઆઈડીસી ઈન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા ૬ લોકોનો સમાવેશ કરવો જોઈએ.

આ મિટીંગમાં દક્ષિણ ગુજરાતની જીઆઈડીસીઓમાંથી સાણંદ, નરોડા, સરીગામ, વાપી, નવસારી, ઈચ્છાપોર, સચિન, ભાટપોર, કતારગામ, બારડોલી અને ઉમરગામ જીઆઈડીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટીંગનું સંચાલન અને મિટીંગની રૂપરેખા ચેમ્બર ઓફ કોમર્સ, સુરતના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ આપી હતી. મિટીંગની આભારવિધી ચેમ્બરના તત્કાલિન ભૂતપુર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કરી હતી. મિટીંગમાં ચેમ્બરના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ગ્રૃપ ચેરમેન ભાવેશ ટેલર, અશોક ચોડવાડીયા અને ચેમ્બરના એસોસિએશન લાયઝન કમિટીના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલ તથા ચેમ્બરની જીઆઈડીસી ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન મિતુલ મહેતાની સાથે દક્ષિણ ગુજરાતની વિવિધ જીઆઈડીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button