મિલેનિયમ-1 માર્કેટના બેઝમૅટની દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ
કાપડ માર્કેટમાં અવાર નવાર આગ લાગવાના બનાવો યથાવત

સુરત: મંગળવારે બપોરે રિંગરોડ પર આવેલી મિલેનિયમ-1 કાપડ માર્કેટમાં આગ ફાટી નીકળતા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગ લગતાની સાથે જ લોકોના ટોળા માર્કેટની બહાર દોડી આવ્યાં હતાં. જો કે, આગ લાગવાથી ધુમાડો વધુ નીકળ્યો હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ ઓક્સિજન સિલિન્ડર સાથે આગ પર કાબુ મેળવવા દુકાનમાં પ્રવેશ કર્યો હતો. વધુમાં આગ લાગ્યાની જાણ થતા જ અલગ-અલગ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓની સાથે ઉચ્ચ અધિકારી સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મંગળવારે બપોરે 12:15 કલાકે રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ-1 ની ઈ રોના બેઝમૅટમાં આવેલી દુકાન નં-1266 માં આગ લાગવાનો બનાવ બન્યો હતો.દુકાન માલિક નિશિત સુરેશભાઈ શાહ વૈષ્ણવી એનેક્સ નામની દુકાનમાં સાડીનો વેપાર કરે છે. મંગળવારે બપોરે 12:15 કલાકે બેઝમૅટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લગતા નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા માન દરવાજા, ડુંભાલ,મજૂરાગેટ, નવસારી બજાર અને ઘાંચીશેરી ફાયર સ્ટેશનોની ગાડીઓ સહિત ઉચ્ચ અધિકરીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ડિવિઝનલ ફાયર સબ ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું હતું કે,
આગ કાપડના જથ્થામાં લાગી હોવાથી ધુમાડો ભારે પ્રમાણમાં નીકળ્યો હતો. જેથી ગૂંગળામણની અસરથી બચવા માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા મોં પર ઓક્સિજન માસ્ક સાથેના સિલિન્ડર સાથે દુકાનમાં પ્રવેશીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.આગમાં દુકાનનું ફર્નિચર,એસી,કોમ્યુટર,ફેબ્રીકેશનનો માલ સહીતનો બધો સમાન બળીને ખાખ થઇ ગયો હતો.
આ સમયે દુકાનમાં કામ કરતો કારીગર વર્ગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સાડી કટિંગનું કામ કરી રહ્યા હતા તેથી તેમનો બચાવ થયો હતો.બીજી તરફ માર્કેટમાં ખરીદી કરવા આવેલા ગ્રહાકો પણ જીવ બચાવવા માટે માર્કેટની બહાર દોઈ આવ્યા હતા.આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાબુ સામે આવ્યું હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.