સુરત: ‘૫ સપ્ટેમ્બર-શિક્ષક દિન’ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને ‘શિક્ષક દિન‘ સ્થાનિક ઉજવણી સમિતિ-સુરત દ્વારા ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપનારા જિલ્લા તેમજ તાલુકાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ ૯ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ડી.આર.દરજીએ ચાણક્યના વિધાન, ‘શિક્ષક સાધારણ ન હોય શકે’ને વાગોળતાં કહ્યું કે, શિક્ષક સાધારણ ન જ હોવો જોઈએ. કેમકે તે પોતાના પ્રયત્નો થકી રાષ્ટ્રની ઉજ્જવળ કાલને ઘડી રહ્યો છે. શિક્ષક દિનનો મહિમા વર્ણવતા તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓના જીવન ધડતરમાં શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે. શિક્ષક દિવસની ઉજવણી એ શિક્ષકોએ સમાજના ધડતરમાં આપેલા યોગદાનનું સન્માન છે. આ દિવસએ દરેક શિક્ષક માટે ગર્વનો દિવસ છે.
આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરનારા સુરત જિલ્લાના ૧૦ પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરાયું હતું. સાથે જ પ્રાથમિક શાળાના ૧૦ તેજસ્વી છાત્રોનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક તેમજ ફિલોસોફર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે વર્ષ ૧૯૬૨થી શિક્ષક દિવસ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણા સમાજમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં નાયબ શિક્ષણાધિકારી વજેસિંહ વસાવા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એચ.પી.બારોટ, ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, નરેન્દ્ર સિંહ વસાવા, ટી.વાય.રાવ, એ.ઈ.આઇ જયમીની પરમાર, શ્વેતાબેન પટેલ, દિપાલીબેન શાહ અને હેતલબેન કારેલિયા, અલ્પેશભાઈ પીપલિયા તેમજ અણુવ્રત સમિતિના પ્રમુખ, અધ્યક્ષ/સભ્યો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.