
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ સાથેનું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૧થી ૧૪ નવેમ્બર, ર૦રપ દરમિયાન રિપબ્લિક ઓફ બોટ્સ્વાનાની રાજધાની ગેબરોન ખાતે મુલાકાતે જશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળની આ મુલાકાત ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બોટ્સ્વાનાની મુલાકાત દરમ્યાન રહેશે.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળની મુલાકાત બોટ્સ્વાના હાઈ કમિશન (નવી દિલ્હી) અને બોટ્સ્વાના ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટર (BITC)ના સંકલન સાથે યોજાઇ છે, જેનો હેતુ ભારત અને બોટ્સ્વાના વચ્ચેના લાંબા સમયથી ચાલતા મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે અને ખાસ કરીને રોકાણ, ઊર્જા, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે સહકાર વધારવાનો ઉદ્દેશ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સના આ ઉચ્ચ સ્તરીય બિઝનેસ પ્રતિનિધિ મંડળની બોટ્સ્વાના બિઝનેસ મુલાકાતનો હેતુ બંને દેશોના ઉદ્યોગ અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરી સહકારના નવા ક્ષેત્રો શોધવાનો છે. ચેમ્બરના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા અને દ્વિપક્ષીય વિકાસ માટે ભાગીદારી વધારવાના ધ્યેય સાથે આ મુલાકાત યોજાઈ છે. આ મુલાકાત દરમિયાન મુખ્ય ક્ષેત્રો જેવા કે રિન્યુએબલ એન્ડ ગ્રીન એનર્જી, ટેક્ષ્ટાઇલ અને એપેરલ ઉદ્યોગ, ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સહિતના ઉદ્યોગ – ધંધાઓમાં રોકાણ પર ધ્યાન આપવામાં આવશે.
ભારત અને બોટ્સ્વાના વચ્ચે છેલ્લા અનેક દાયકાઓથી સ્નેહપૂર્ણ રાજનૈતિક અને આર્થિક સંબંધો રહયા છે. બોટ્સ્વાના આફ્રિકાનો સૌથી સ્થિર લોકશાહી દેશ છે, જે સમૃદ્ધ ખનિજ સંપત્તિ અને સતત વિકસતા નોન–માઇનિંગ ક્ષેત્ર માટે ઓળખાય છે. બીજી તરફ, ભારત ટેકનોલોજી, ડાયમંડ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. બંને દેશોની ભાગીદારી બોટ્સ્વાનાની કુદરતી સંપત્તિ અને ભારતના ઔદ્યોગિક વિકાસનો સમન્વય સાધીને પરસ્પર ઉદ્યોગ – ધંધાઓમાં એકબીજાને મદદરૂપ થવા એક અનોખો અવસર છે.
આ મુલાકાતનું વિશેષ મહત્વ છે, કારણ કે તે ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રીની બોટ્સ્વાનાની મુલાકાત સાથે યોજાઈ રહી છે, જે બંને દેશોની વેપાર, રોકાણ અને લોકો–લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, બોટ્સ્વાના મુલાકાત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ વિવિધ મંત્રાલયો, સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક કરશે, જેમાં મિનિસ્ટ્રી ઓફ મિનરલ્સ એન્ડ એનર્જી, મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ આત્રપ્રિન્યોરશિપ, ચીફ ઓફ સ્ટાફ – ઓફિસ ઓફ ધ પ્રેસિડેન્ટ, બોટ્સ્વાના ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટર (BITC), બિઝનેસ બોટ્સ્વાના, બોટ્સ્વાના એક્ષ્પોર્ટર્સ એન્ડ મેન્યુફેકચરર્સ એસોસિએશન (BEMA), ઓકાવાંગો ડાયમંડ કંપની (ODC), બોટ્સ્વાના ડાયમંડ મેન્યુફેકચરર્સ એસોસિએશન (BDMA), બોટ્સ્વાના પાવર કોર્પોરેશન (BPC), બોટ્સ્વાના એનર્જી રેગ્યુલેટરી ઓથોરિટી (BERA), મોરુપુલ કોયલ માઈન, મિનેર્જી અને બોટ્સ્વાના રેલવેઝ, બોટ્સ્વાના ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર (IFSC Portfolio), નોન–બેંક ફાઇનાન્શ્યિલ ઇન્સ્ટિટયુશન્સ રેગ્યુલેટરી ઓથોરિટી (NBFIRA), બોટ્સ્વાના ઇન્સ્યુરન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ, ક્ગોરી કેપિટલ અને બોટ્સ્વાના સ્ટોક એક્ષ્ચેન્જ, બોટ્સ્વાના મેડિસિન્સ રેગ્યુલેટરી ઓથોરિટી (BOMRA) અને સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ (CMS) વિગેરે સાથે બેઠકો થશે.
આ ઉપરાંત, એક વિશેષ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ ભારતના રાષ્ટ્રપતિ તથા બોટ્સ્વાનાના માનનીય રાષ્ટ્રપતિશ્રી સાથે મુલાકાત કરશે. આ બેઠક બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણના વિસ્તરણ માટેના સંયુક્ત વિઝનને ઉજાગર કરશે.
ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના પ્રવાસ દરમિયાન ઝીમ્બાબ્વેના ઉપ રાષ્ટ્રપતિ મહામહિમ જનરલ (નિવૃત્ત) ડો. સી.જી.ડી.એન. ચિવેન્ગા સાથે પણ મુલાકાત કરશે. ઝીમ્બાબ્વેના ઉપ રાષ્ટ્રપતિ બોટ્સ્વાના પ્રવાસે આવી રહ્યા છે અને આ અવસરે તેઓ સુરતના ઉદ્યોગકારો સહિત ચેમ્બરના પ્રતિનિધિ મંડળ સાથે ખાસ મિટીંગ કરશે. આ બેઠક દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઝીમ્બાબ્વે વચ્ચે રોકાણ અને ઉદ્યોગ ક્ષેત્રે સહકાર વધારવાના વિવિધ અવસર અંગે ચર્ચા થશે. આ મુલાકાત દ્વારા દક્ષિણ આફ્રિકન દેશો સાથે વ્યવસાયિક સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસ કરવામાં આવશે.
ચેમ્બરના ઉદ્યોગપતિઓ સાથેના બિઝનેસ પ્રતિનિધિ મંડળમાં નીચે મુજબનો સમાવેશ થાય છે.
૧. નિખિલ મદ્રાસી – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
ર. બ્રિજેશ ધોળકિયા – હરે કૃષ્ણા ગૃપ
૩. ડો. ફારૂક પટેલ – કે.પી. ગૃપ
૪. રોબી રાજશેખરમ – કેપીઆઇ ગ્રીન હાઇડ્રોજન
પ. દર્શક નારોલા – શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ
૬. હિતેશ શાહ – વિનસ જેમ્સ
૭. જયંતિ સાવલિયા – જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ
૮. રજત વાની – જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ
૯. ગુરમીત સિંઘ માન – તરણજ્યોત એનર્જી
૧૦. રાકેશ શાહ – તરણજ્યોત એનર્જી
૧૧. દિનેશ ધનકાની – લિબર્ટી ગૃપ એન્ડ રીઘન ફેશન્સ પ્રા.લિ.
૧ર. મિલન પરીખ – જૈનમ શેર્સ
૧૩. દિપક શેટા – એપ્પલ લાઇફસ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
૧૪. કૃણાલ મહેતા – મહેતા વેલ્થ
૧પ. ફેનિલ પટેલ – રેઝોન સોલાર



