સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન નવિન પટેલના નેજા હેઠળ ૩૦થી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૩ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સચિન જીઆઇડીસી ખાતે આવેલા સ્ટીમ હાઉસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. આ સ્ટીમ હાઉસને કારણે ઇન્ડસ્ટ્રીને થતા લાભો વિષેની વિસ્તૃત જાણકારી ચેમ્બરના પ્રતિનિધિ મંડળે મેળવી હતી.
સ્ટીમ હાઉસના વિશાલ બુધિયા દ્વારા ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિનિધિ મંડળની સાથે કરવામાં આવેલી મિટીંગમાં તેમના સ્ટાફના કર્મચારીઓ દ્વારા સ્ટીમ હાઉસ વિષે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્લાન્ટની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે સ્ટીમ હાઉસ યુનિટના તમામ વિભાગોની મુલાકાત લઇ વરાળ બનાવવાની તમામ પ્રક્રિયાનો અભ્યાસ કરી તે અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ યુનિટો તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રીના એકમોમાં વરાળની જરૂરિયાત પડતી હોવાથી તેઓને ફેકટરીમાં જ અલગથી બોઇલર પ્લાન્ટ નાંખવો પડે છે, પરંતુ હવે સ્ટીમ હાઉસને કારણે પ્રોસેસિંગ યુનિટો તેમજ કેમિકલના એકમોને બોઇલર પ્લાન્ટ નાંખવાની જરૂરિયાત રહી નથી અને એ જગ્યાનો તેઓ અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકે છે. ઉદ્યોગકારોને ઉત્પાદન માટે તેમજ ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે જે વરાળની જરૂરિયાત ઉદ્ભવે છે એવા પ૦થી વધુ યુનિટો તેમજ એકમોની વરાળની જરૂરિયાતને આ સ્ટીમ હાઉસ પૂરી પાડે છે.