
સુરતઃ દરિયા કિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૨૪ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બિચ ફેસ્ટિવલ યોજાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે આ સંદર્ભે બેઠક યોજી પૂર્વતૈયારીઓ અને સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને કામગીરીના દિશાનિર્દેશ આપ્યા હતા. બિચ ફેસ્ટિવલને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.
બિચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા રહી છે, ત્યારે સુવાલીમાં પણ અવારનવાર બિચ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચરસ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ હશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો પ્રયાસ છે.
આ બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, નાયબ કલેકટર પાર્થ તલસાણીયા, ચોર્યાસી મામલતદારશ્રી નિરવ પારિતોષ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કિરણ પારધી, ચોર્યાસી તલાટી કમ મંત્રીશ્રી, સર્કલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.