ભાજપ ના ધારાસભ્યો નો આંતરિક વિખવાદ ને કારણે પ્રજા પિસાઈ રહી છે : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
સુરત : ગઈકાલે ભાજપના વરાછા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુમાર કાનાણીએ “સરથાણા ઝોનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે” એ પ્રકારનું નિવેદન આપેલું તેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘણે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કુમારભાઈએ અગાઉ પણ ઘણાં બધા લેટર લખ્યા છે, સંકલન સમિતિમાં પણ ઘણી રજુઆતો કરી છે, ઘણાં બધા મુદ્દાઓ ઉપાડે છે. છાશવારે તેમના લેટર બોમ્બ આવતા જ હોય છે. કુમાર કાકા એક નીવડેલ અને અનુભવી વ્યક્તિ છે. કોર્પોરેટર, ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં રાજ્યના આરોગ્ય મંત્રી પણ રહી ચુક્યાં છે.
મહેશભાઈ અણઘણે આગળ જણાવ્યું હતું કે, કુમારભાઈ કાનાણી ના કયા પ્રશ્નોનું નિરાકરણ અત્યાર સુધીમાં આવ્યું? અસંખ્ય વાર કુમારકાકાએ લેટર બોમ્બ લખી નાખ્યાં છે. જેવા કે, શહેરમાં પ્રવેશબંધીના સમયે ગેરકાયદે વાહનોના પ્રવેશ હોય કે પછી ચીકુવાડી પાસે ટ્રાફિક ની સમસ્યા હોય., બ્રિજની નીચે ગંદકી કે અસામાજિકોનો ત્રાસ હોય, આજે પણ એમનું એમ જ યથાવત સ્થિતિમાં છે. તમારા મતવિસ્તારમાં ખાડી માટે તમે વર્ષોથી અવાજ ઉપડ્યો છે તો પણ ખાડીની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આનો અર્થ એ થયો કે 30-30 વર્ષથી સત્તામાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યોનું ગજું ઉપજતું નથી, ફક્ત ચૂંટાવા પૂરતું જ ધારાસભ્ય બન્યા છે.
મહેશભાઈએ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણીને વધુમાં જણાવ્યું હતું કે, આજે ભાજપના જ ધારાસભ્યોમાં અંદરોઅંદર વિખવાદ પેદા થયો છે. જેને લઈને ધારાસભ્યોનો અધિકારીઓ પર પણ કોઈ પણ પ્રકારનો અંકુશ રહ્યો નથી. તમારી જે પીડા બહાર નીકળી છે એ બતાવે છે કે સરકાર ખૂબ નકામીયાબ રહી છે. સરકાર કોઈ પણ બાબતે સંકલન કરીને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળ રહી નથી. સરકારનો કે ધારાસભ્યોનો અધિકારીઓ પર અંકુશ કે પકડ રહી નથી. ખાસ કરીને ભાજપમાં જે આંતરિક વિખવાદ ઉભો થયો છે એના કારણે પ્રજા પીડાઈ રહી છે, તમારી લડાઈમાં પીસાઈ રહી છે એ સાબિત થાય છે.