‘એક પેડ મા કે નામ’ અંતર્ગત ગૃહરાજ્યમંત્રી પીપલોદ ગામ તળના ૧૦૦ પરિવારો સાથે વૃક્ષારોપણ કર્યું
માતા અને દીકરો સાથે મળીને ઘરના આંગણે, શાળાઓમાં, ગામડાઓમાં, શહેરમાં વૃક્ષારોપણ કરે તે લાગણીશીલ પહેલ છે
સુરત:મજુરા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ શારદાયતન સ્કૂલની પાછળ પીપલોદ ગામ તળ ખાતે વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ૧૦૦ પરિવારો સાથે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વડાપ્રધાનશ્રીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે સ્વ.માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું. પીપલોદમાં અહીં ૧૦૦ પરિવારની માતાઓ સાથે વૃક્ષારોપણ કરવાનો અવસર અનેરો છે. માતા અને દીકરો સાથે મળીને ઘરના આંગણે, શાળાઓમાં, ગામડાઓમાં, શહેરમાં વૃક્ષારોપણ કરે તે લાગણીશીલ પહેલ છે. આ વૃક્ષો આવનાર સમયમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધારશે. વડાપ્રધાનનો વૃક્ષારોપણનો સંકલ્પ દેશના લોકોને પ્રેરણા આપી રહ્યો છે. હજારો લોકો પોતાની માતાના ફોટા સાથે વૃક્ષારોપણમાં સહભાગી બની રહ્યા છે તે સરાહનીય છે.
દેશનાં વિકાસની સાથે પર્યાવરણની જાળવણી કરવી તેમજ વૃક્ષો વાવવા સાથે જતન કરવું પણ ખૂબ જ જરૂરી હોવાનું જણાવી સૌને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગિતા વધારવા આહ્વાન કર્યું હતું.