સુરત: આજના ઝડપી, ડિજીટલ ટેકનોયુગમાં શિક્ષણનું મહત્વ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે. પુસ્તકીયા જ્ઞાન સાથે વ્યવહારૂ જ્ઞાન ઘરાવતા બાળકનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે છે, ત્યારે ગમ્મત સાથે જ્ઞાન આપી ભણતર અને ગણતરનો અદભૂત સુમેળ સાધતી સુરતના કામરેજ તાલુકાની ‘નવી પારડી પ્રાથમિક શાળા’ અનેક શાળાઓ માટે આદર્શ ઉદાહરણ છે. શાળાનું અદ્યતન બાંધકામ, કમ્પ્યુટર લેબ, ડિજિટલ ક્લાસરૂમ અને સમગ્ર શાળામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીએ આ શાળાને ‘સ્માર્ટ શાળા’માં ફેરવી નાંખી છે. મહાન ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોના નામ ધરાવતા વિષયવાર વર્ગખંડો સ્માર્ટ બોર્ડની સાથે સી.સી.ટીવી અને લાઉડ સ્પીકર ધરાવે છે. હરિયાળું કેમ્પસ, સ્વચ્છતા, ફાયર સેફટી, પુસ્તકાલય, આર.ઓ વોટર ટેન્ક, ૩૨ સીસીટીવી કેમેરા પણ શાળાની વિશેષતાઓમાં ઉમેરો કરે છે.
૧૯૭૩થી કાર્યરત નવી પારડી પ્રાથમિક શાળામાં હાલ ૨૪૩ છોકરાઓની સામે ૨૪૯ છોકરીઓ મળી કુલ ૪૯૨ બાળકો બાળવાટિકાથી ધો.૮ સુધી અભ્યાસ કરે છે. જેમાં આજુબાજુના ૭ ગામોના બાળકોનો પણ સમાવેશ થાય છે. નવી પારડી પ્રા.શાળાએ ૨ જિલ્લા કક્ષા અને ૧ રાજ્ય કક્ષા મળી કુલ ૩ વખત સ્વચ્છતા એવોર્ડ તેમજ ગત વર્ષે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમાંકનો ઍવોર્ડ પણ મેળવ્યો છે.
શાળાની આગવી શિક્ષણ પદ્ધતિ અંગે આચાર્ય શ્રીમતિ ચૈતાલીબેન ભાવસાર જણાવે છે કે, અહીં બાળકોને અધ્યયન નિષ્પત્તિ આધારિત ટીચિંગ લર્નિંગ મેથડ(TLM) દ્વારા વિવિધ વિષયોની સમજ અપાય છે. થિયરી સહિત પ્રેક્ટિકલ જ્ઞાન આપવાથી બાળકની સમજશક્તિ મજબૂત બને છે. વધુમાં ભણતરની સાથે તેમના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા અમે વિવિધ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ અવારનવાર યોજીએ છીએ. દર મહિને વિશેષ દિવસોની ઉજવણી, તાલુકા-જિલ્લા કે રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ, પ્રદર્શન વગેરેમાં ભાગ લેવા પણ વિદ્યાર્થીઓને તક અને પ્રોત્સાહન આપીએ છે.