
સુરત : આજે AM/NS કંપનીમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે, AM/NS કંપનીના સહયોગથી ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લિકેજ, આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો. નોંધનીય છે કે, આજે સુરતની એક સાથે ૧૯ જેટલી કેમિકલ હેઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ મોકડ્રીલો યોજવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી એ.એન.એસ. પરિતોષ, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના નાયબ નિયામક કે.એ.રાવત, આસિ. ડિરેક્ટર આર.આર. જોષી, સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ડી.પી.ઓ કૌશિક પોરિયા તેમજ નીતલ દોશી, AM/NS ઇન્ડિયા-સુરત હજીરા યુનિટના સેફટી હેડ ચંદરસિંઘ મહેતા, ૫૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટના હેડ તુષાર સાવલિયા,ફાયર ટીમના સેક્શન હેડ દીપક ડાભી સહિત નિરીક્ષકો, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સૌ સભ્યો, આરોગ્ય. ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.