
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૩૨૮ વિદ્યાર્થીઓ અને A2માં ૪૩૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૧૭૦૩ અને A2 ગ્રેડમાં ૭૨૦૩ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.
સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાના ૧૭૦૩ વિદ્યાર્થીઓએ A1 અને ૭૨૦૩ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1માં ૯૮૪૦ અને B2માં ૧૦,૦૧૩ વિદ્યાર્થીઓ છે. સુરત જિલ્લામાં ૯૯.૦૮% પરિણામ સાથે સરભોણ કેન્દ્રનું સૌથી ઊંચું અને ૮૮.૨૮% સાથે ઉધનાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. અને સરકારી શાળાની વાત કરીએ તો, માંડવી તાલુકાની ગવાછી અને વિરપોર સરકારી માધ્યમિક અને ઉ.મા. શાળા ૧૦૦ ટકા સાથે અવ્વલ રહી તો, સુરતના ગભેણીની સરકારી મા. અને ઉ.મા. શાળાનું ૯૪.૧૨ ટકા સાથે સૌથી ઓછું પરિણામ નોંધાયું હતું.
જ્યારે વિજ્ઞાન પ્રવાહના ૩૨૮ વિદ્યાર્થીઓએ A1 અને ૧૮૪૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લામાં ૯૮.૮૩% પરિણામ સાથે વરાછા કેન્દ્રનું સૌથી ઊંચું અને ૭૦.૭૮% સાથે કીમનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. અને સરકારી શાળાની વાત કરીએ તો, ઉમરપાડા તાલુકાની મોડેલ સ્કૂલ, આમલીદાભડાનું ૮૯.૪૭ ટકા સાથે સૌથી વધુ, તો ઉમરપાડા તાલુકાની જ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ૬૯.૨૩% સાથે સૌથી ઓછું પરિણામ નોંધાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત તરફથી વિગતો પ્રાપ્ત થઈ છે.