
સુરત: ૨૩- બારડોલી અને ૨૫-નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આ નવ વિધાનસભા ક્ષેત્રના ૨૯.૮૦ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ૭મી મેના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે એમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું.
સુરત કલેક્ટરાલય ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરએ વધુમાં કહ્યું કે, સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે બારડોલી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા અને નવસારી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, વિધાનસભા બેઠકોમાં તા.૭મી મેના રોજ ચૂંટણી યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની મતદારયાદી દર્શાવતી મતદાર માહિતી કાપલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જો આ કાપલીઓ ન મળી હોય તો https://electoralsearch.eci.gov.in/ લિંક પરથી ઓનલાઈન મતદાન કેન્દ્ર સહિતની વિગતો મેળવી શકાશે.
મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ
ડો.પારધીએ ઉમેર્યું કે, મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયા વિના અવરોધ પૂર્ણ થઈ શકે એ માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન સહિતના ડિજીટલ ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તા.૦૭મીએ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં.
ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓ અને ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ચૂંટણી પંચના અધિકારપત્રો ધરાવતા મીડિયાકર્મીઓને મોબાઈલ જવાની છૂટ અપાઈ છે.આ ઉપરાંત, તંત્ર દ્વારા ૨૮૮૨ પૈકી ૧૪૫૩ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે એમ જણાવી તેમણે સુરત શહેર-જિલ્લામાં ઔદ્યોગિક કારીગરો, શ્રમિકો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદાન કરવા તમામ મતદારોને અનુરોધ કર્યો હતો.
તમામ મતદાન મથકો પર પીવાના ઠંડા પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરાઈ
હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો પર પીવાના ઠંડા પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકે ORS અને મેડિકલ કિટ, જરૂરી દવાઓ આપવામાં આવી છે. નજીકના આરોગ્ય કેન્દ્રનો ઈમરજન્સી નંબર ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ અને મેડિકલ સાધનો સાથે નિયત સ્થળો પર સ્ટેન્ડ બાય રહેશે.
મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી શકે તે માટે VOTER HELPLINE એપનો ઉપયોગ કરી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત
કાયદો અને વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સનો પૂરતો પોલીસ બંદોબસ્ત કરાયો છે.