સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ: રોજની ૧૨.૫૦ લાખ થેલીઓ થકી લાખો ઘરોમાં પહોંચાડે છે મતદાન જાગૃતિનો સંદેશ
સુરત: આગામી ૭મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે.
ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા છે. સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ છે.
સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે ૧૨.૫૦ લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.