પલસાણાના ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્ક ખાતે મતદાન જાગૃતિ માટે બેઠક યોજાઈ
ચૂંટણીના દિવસે સવેતન જાહેર કરી મહત્તમ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાનો અનુરોધ
સુરત: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત પલસાણાના ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્ક ખાતે ૧૬૯-બારડોલી વિધાનસભાના બીએલઓ(બુથ લેવલ ઓફિસર્સ) સાથે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ હતી. મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે તે હેતુસર ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસર અને ડે.મ્યુનિ.કમિશનર ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં કડોદરા જી.આઈ.ડી.સી.ના આશરે ૬૦થી વધુ સંસ્થાઓ/કંપનીઓ/પેઢીઓ/યુનિયનના આગેવાનો હાજર રહ્યાં હતા.
બેઠકમાં આસિ.મ્યુનિ.કમિશ્નર અને નોડલ ઓફિસર (સ્વિપ) અજય એચ.ભટ્ટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમામ બીએલોને વધુમાં વધુ મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. સાથે જ ચૂંટણીના દિવસે સવેતન જાહેર કરવા અંગેની કાનુની જોગવાઈઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
વધુમાં, લેબર વિભાગ, ડે.કમિશનર એમ.સી.કારીયા, ગવર્નમેન્ટ લેબર ઓફિસર આર.એસ.ગામીત, ડે.ડાયરેક્ટર (ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ) કે.એ.રાવત દ્વારા ભૂતકાળમાં જે મતદાન મથક પર ૫૦% થી ઓછું મતદાન થયુ હોય તેવા અને જયાં સ્ત્રી અને પુરુષ મતદારોની મતદાનની ટકાવારીમાં ૧૦% થી વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.