અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા મહિલા જૂથને સહાય સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરી
સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સંદર્ભે ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં કાર્યરત મહિલા સખી મંડળને સાધન અને સહાય વિતરણનો કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઇ પટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇની વિશેષ ઉપસ્થિતિ અને મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભટલાઈ, દામકા, વાંસવા જેવા ગામના સખી મંડળને અંદાજે પાંચ લાખ જેટલી સહાય બહેનોની આજીવિકા વધારવા માટે આપવામાં આવી હતી.
હજીરાની આસપાસ કાર્યરત અનેક સખીમંડળ આજીવિકા મેળવવા માટે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. અદાણી ફાઉન્ડેશન મંડળના સભ્યોને તાલીમ, સાધન સહાયની સાથે વેચાણ માટે બજાર સુધીની વ્યવસ્થા કરતું હોય છે. ભટલાઇ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભાગરૂપે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇ, ડીઆરડીએના ડાયરેક્ટર (એડી.કલેક્ટર) એમ.બી પ્રજાપતિ, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ મેનેજર કુમારી કુંતલબેન સુરતી, ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પ્રવીણભાઈ પટેલ, તાલુકા પંચાયત ચોર્યાસીના કારોબારી અધ્યક્ષ લતાબેન દલપતભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વાસંતીબેન સુરેશભાઈ પટેલ, ભટલાઈ ગામના સરપંચ શ્રીમતી નર્મદાબેન છોટુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય નિલેશભાઈ રાઠોડ, ડિસ્ટ્રિક્ટ લાઈવલીહૂડના મેનેજર નીરવ શાહ સહિતના અનેક આગેવાનો હાજર રહીને સખી મંડળની બહેનોનો ઉત્સાહ વધારી એમને પ્રોત્સાહિત કરી હતી.
સખી મંડળ વાંસવા, પારદેવીમાં સખી મંડળ, ભટલાઇ, સાહેલી સખી મંડળ, ભટલાઇ અને હળપતિ બહેનનોનું ધારાસભ્ય મંડળ, રોશની સખીમંડળ, દામકા,સંતોષી મા સખીમંડળ, વાંસવાના બહેનો જે કામ કરે છે એ કામને વધુ સારી રીતે કરી શકે એ માટે સાધન સહાય આપવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનની સહાય મેળવનાર સખી મંડળના બહેનોએ પોતાનો અનુભવ વ્યક્ત કરીને તેમણે મળેલા સહયોગ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન અનેક સખી મંડળ સાથે સંકળાઇને એમને જરૂરી સહયોગ આપતું રહે છે.