સુરત શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ
નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન ૧૨૪૯ પશુઓને પકડી ૧૫લાખથી વધુના દંડની વસૂલાત
સુરતઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા ટ્રાફિક નિયમન જળવાય તેવા આશયથી સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં પોલીસ કમિશનરએ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ટ્રાફિક સિગ્નલો સત્વરે લગાડવા તેમજ ચાલુ સિગ્નલોની મરામત કરવાની તાકીદ કરી હતી. બેઠકમાં રખડતા ઢોર બાબતે મહાનગરપાલિકા દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન ૧૨૪૯ પશુઓને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે, તેમજ રૂ.૧૫લાખથી વધુના દંડની પણ વસુલાત કરવામાં આવી હોવાની વિગતો પાલિકાના અધિકારીએ આપી હતી.
આ ઉપરાંત રોડ પર સાઈન બોર્ડ લગાવવા, ઝિબ્રા ક્રોસિગ, સ્ટોપ લાઈન તથા રબ સ્ટ્રીપ બનાવવાની કામગીરી સમયસર થાય એ બાબતે જે તે વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
પોલીસ દ્વારા છેલ્લા ૧૧ મહિનામાં ૫૬૦ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો કરવાંમાં આવ્યા છે. છેલ્લા એક મહીનામાં ૧૪ કેસો કરવામાં આવ્યા છે. ડુમસ રોડ પર મહાનગરપાલિકાના દ્વારા આપવામાં આવેલ પે એન્ડ પાર્કના ઇજારદારોને પાર્કિગના બોર્ડ મૂકવા, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ટ્રાફિક નિયમન સ્પર્ધાઓ-કાર્યક્રમો યોજવા ઉપરાંત આર.ટી.ઓ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વિગતો આપી હતી. શનિ-રવિવારના દિવસો દરમિયાન ડુમસ રોડ પર ખાણી-પીણીની લારીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાની સ્થિતિ નિવારવા માટે પાલિકાના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જોઈન્ટ પો.કમિશનરશ્રી એચ.આર.ચૌધરી, ટ્રાફિક એસીપી એમ.એસ.શેખ, ઈ.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આકાશ પટેલ, હાઈવે ઓથોરિટી, એસ.ટી., માહિતી વિભાગ, મહાનગરપાલિકાના વિવિધ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.