સુરત

નવી સિવિલ ખાતે પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ

દર્દીઓ અને તેમના પરિજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને કાયદાકીય મદદ સિવિલ કેમ્પસમાં જ સુલભ બનશે

સુરતઃ સિવિલ નવી સિવિલ હોસ્પિટલના ઈતિહાસની સૌપ્રથમ અને આગવી પહેલ અંતર્ગત સિવિલ કેમ્પસમાં અદ્યતન પોલીસ ચોકીનું નિર્માણ થયું છે. નવી સિવિલ ખાતે નવનિર્મિત પોલીસ ચોકીનું પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિવિલ પોલીસ ચોકી બનવાથી દર્દીઓ અને તેમના પરિજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને કાયદાકીય મદદ સિવિલ કેમ્પસમાં જ સુલભ બનશે.

ખટોદરા પોલીસ સ્ટેશનના અથાગ પ્રયાસો અને ડી.સી.પી. અને એસીપી.શ્રીની મહેનત તેમજ ટીમવર્કના કારણે પોલીસ ચોકી કાર્યરત થઈ છે. આ પોલીસ ચોકી બનવાથી આદિવાસી વિસ્તારો, ગામડાના લોકો તેમજ મિની ભારત સમાન સુરતમાં વસેલા દેશના તમામ પરપ્રાંતીય નાગરિકોને કાયદાકીય અને પોલીસ મદદ થકી ન્યાય સુવિધા ઉભી થશે.

પોલીસ કમિશનર અજય તોમરે વધુ પોલીસ કર્મચારીઓ ભરતી કરીને પણ આ પોલીસ ચોકીને વધુ અદ્યતન અને લોકાભિમુખ બનાવવામાં પર ભાર મૂક્યો હતો. તેમણે દર્દીઓ અને મેડિકોલીગલ કેસોમાં જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સંવેદનાપૂર્ણ રીતે પોલીસ સેવાઓ આપી લોકાભિમુખ પોલીસની પરિકલ્પના સાકાર થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ કેમ્પસની પોલીસ ચોકી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ ખાસ કરીને દાખલ થયેલા અને સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશીર્વાદરૂપ બનશે. સિવિલમાં આવતી બિનવારસી લાશો, બિનવારસી લોકોના અકસ્માત કેસો, મારામારી, નશાના કેસો, મેડિકોલીગલ કેસો અને પંચનામું તેમજ પોલીસ પ્રમાણપત્રો, સિવિલની સુરક્ષા સલામતીના પ્રશ્નો, મેડિકલ કોલેજના મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના પ્રશ્નો ઉકેલી શકાશે. ૩૦ થી ૪૦ કિલોમીટર દૂરના તાલુકાના ગામો તેમજ તાલુકા પોલીસે લીગલ કેસોના પંચનામા માટે હવે સુરત સુધી આવવું નહી પડે. પંચનામાની વિધિ સિવિલ પોલીસ ચોકી દ્વારા શક્ય બનશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ અહીં પોલીસ ચોકી નિર્માણ કરવાની ખાતરી આપી હતી, ત્યારે પોલીસ ચોકીની ભેટ આપવા બદલ તેમણે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના રાજ્યો, સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓ નવી સિવિલમાં સારવાર અર્થે આવે છે. લાખો દર્દીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ઓપરેશનો, સારવારનો નિ:શુલ્ક લાભ મેળવે છે, ત્યારે પોલીસ ચોકીના અભાવે સુરક્ષા અને સલામતીના પ્રશ્નો ઉદ્દભવતા હતા. અવારનવાર દર્દીઓના સગાઓ દ્વારા તબીબો સાથે સંઘર્ષ, મારામારીના બનાવો બનતા હતા. ઉપરાંત, પોસ્ટમોર્ટમ રૂમની બહાર ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો તેમજ અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ, મારામારીના અનેક બનાવો બનતા હતા. ગત વર્ષે અહીં પોસ્ટમોર્ટમ રૂમ બહાર હત્યા પણ થઈ હતી. જેથી પોલીસ ચોકીની જરૂરિયાત ઉભી થઈ હતી, જેથી આ પ્રકારના બનાવો નિવારી શકાય.

આ પ્રસંગે એડિશનલ પો. કમિશનર(સેક્ટર-૧)  કે.એન. ડામોર, ડીસીપી વિજય ગુર્જર, એ.સી.પી. જે.આર. દેસાઈ, ખટોદરા પોલીસ ઈન્સ્પેકટર આર.કે. ધુળીયા, મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્મા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, યુનિ.સિન્ડિકેટ મેમ્બર અને સિવિલના ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામા, ડો.ધારિત્રી પરમાર, વોર્ડ નં.૨૦ ના નગરસેવકો, તબીબો, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ એસો.ની ટીમના સભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button