સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શુક્રવાર, તા. ૧પ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સુરત મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ સાથે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ૦થી વધુ મહિલા સાહસિકો જોડાઈ હતી અને ૩૦ સેકન્ડ માટે પોતપોતાના બિઝનેસનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, મહિલાઓ, ગૃહિણી હોય કે વર્કીંગ વુમન તેઓ ઘણી સ્પેશ્યલ અને મલ્ટી ટાસ્કીંગ હોય છે. મહિલાઓ બધી જ ફિલ્ડમાં કામ કરે છે. બાળકોને સાચવીને ઘરની જવાબદારી નિભાવે છે અને નોકરી પણ કરે છે. બધું કરીને તેઓ બાળકોને ભણાવે પણ છે. તેમણે મહિલા સાહસિકોને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, લક્ષ્ય હંમેશા ઊંચું રાખો અને એને હાંસલ કરવા માટે અવિરત પ્રયાસ કરતા રહો.
તેમણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસિસ માટે જે મહેનત કરી હતી અને જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે અંગે ચર્ચા કરી મહિલા સાહસિકોને જીવનમાં સફળતાની દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના વિકાસ માટે જે વિવિધ કામો થઇ રહયા છે તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને શહેરમાં થતું સોલિડ વેસ્ટનું કામ, શહેરીજનો માટે અન્ય સુવિધાઓ અને સુરતને, વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા જે પ્રયાસો થઇ રહયા છે તેના વિષે મહિલા સાહસિકોને જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ બિઝનેસ મીટનું સંચાલન કર્યું હતું. વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. સભ્ય રોમા પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે બિઝનેસ મીટમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.