સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે દેશની આઝાદીના ૭૭માં સ્વતંત્રતા દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખૂબ જ ધામધુમથી અને હર્ષોલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત સર્વેને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા માતૃભૂમિની આઝાદી માટે શહીદ થયેલા વીર જવાનો તેમજ દેશની સુરક્ષા કાજે સરહદે તૈનાત સૈનિકોને નતમસ્તક વંદન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, દેશના વીર જવાનોએ દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોઝાવર કર્યા ત્યારે દેશને આઝાદી મળી છે. શહીદ જવાનો, આ દેશને ગુલામીના નાગચૂડમાંથી બહાર લાવ્યા છે. આજે પણ દેશના સરહદે તૈનાત વીર સૈનિકોને કારણે આપણો દેશ સુરક્ષિત છે ત્યારે આજના પ્રસંગે આ જવાનોને નતમસ્તક વંદન કરીએ. સૈનિકો, દેશની બોર્ડર પર તૈનાત રહીને રક્ષા કરે છે એવી રીતે આજના યુવાઓ અને ઉદ્યોગ સાહસિકોએ ‘‘ઇકોનોમિક સોલ્જર’’ બનવાની તથા દેશને આર્થિક રીતે મજબૂત કરી સમગ્ર રાષ્ટ્રને ઉન્નત બનાવવાની જરૂર છે.
ઉદ્યોગ સાહસિકોએ વ્યાપાર – ધંધા માટે સાહસ કરી, નીતિમત્તા રાખી અને પર્યાવરણની જાળવણી સાથે આગળ વધીને આર્થિક રીતે સંપન્ન થવાની જરૂર છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની સાથે જોડાઇ એક વર્ષમાં જ ધંધા – વ્યવસાયને તેમજ એક્ષ્પોર્ટના આંકડાને ડબલ કરવાની હાંકલ તેમણે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે આપણે સૌએ દેશની માથાદીઠ આવકને વધારવા માટે તેમજ નવા વ્યવસાયમાં ઉદ્યોગ સાહસિકતા કરીને લોકોને રોજગારી આપવા પ્રયાસ કરવાનો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે એક્ષ્પોર્ટ વધારવા અને તેના થકી દેશને આર્થિક મજબૂત કરવા માટે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગરૂપે જે બીડું ઝડપ્યું છે એમાં જોડાઇને નાનામાં નાના વેપારીઓને બિઝનેસમાં આગળ લઇ જવા માટે સામૂહિક પ્રયાસ કરવાનો છે અને અન્યોને ઉપયોગી થવાનું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ દેશને આઝાદી અપાવવા પ્રાણોની આહૂતિ આપનારા શહીદ જવાનોનો આભાર માની તેઓને વંદન કર્યું હતું. ધ્વજવંદન સમારોહનું સમગ્ર સંચાલન ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ભૂતપૂર્વ પ્રમુખો રજનિકાંત મારફતિયા અને સીએ પી.એમ. શાહ, ગૃપ ચેરમેનો, મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ સ્ટાફ કર્મચારીઓએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.