બિઝનેસસુરત

ગુજરાત રાજ્યની ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯ અંતર્ગત અરજકર્તાઓની પેન્ડીંગ ઈન્ટરેસ્ટ અને પાવર સબસિડીને તાત્કાલિક રિલીઝ કરવા ઉદ્યોગ કમિશ્નરને રજૂઆત

ગુજરાતની આવનારી નવી ટેક્ષ્ટાઈલ નીતિમાં “સસ્ટેનેબલ ટેક્ષ્ટાઈલ્સ”ને વિશેષ લાભ આપવા ચેમ્બરની ઉદ્યોગ કમિશ્નરશ્રીને રજૂઆત

સુરત : આજરોજ તા: 1લી ઓગસ્ટ, 2023 ગાંધીનગર ખાતે ચેમ્બરના પ્રમુખ  રમેશભાઈ વઘાસિયા તથા માનદ્દ ખજાનચી શ્રી કિરણભાઈ ઠુમ્મર દ્વારા ઉદ્યોગ કમિશ્નર  સંદીપ સાગળે સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમ્યાન ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯માં ઘણા લાંબા સમયથી ઇન્ટરેસ્ટ અને પાવર સબસિડી પેન્ડીંગ છે તથા ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯માં ક્લોઝ નં. ૮.૧૦ મુજબ ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯માં આવરી લેવાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ગુજરાત સરકારની અન્ય કોઈ પોલિસીનો લાભ નહિ મળવાનો ઉલ્લેખ છે પરંતુ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ગુજરાત સરકાર દ્વારા એક ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

જેમાં ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯માં ક્લોઝ નં. ૮.૧૦માં સુધારો કરી આ સ્કીમમાં આવરી લેવાયેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ગુજરાત સરકારની અન્ય નીતિઓનો પણ લાભ આપવા અંગેનો GR બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ આ GRના અર્થઘટનની સમસ્યા હોઈ તેને નિવારી જે કોઈપણ ટેક્ષ્ટાઈલ એકમોએ વર્ષ ૨૦૧૯ થી ઓક્ટોબર ૨૦૨૨ દરમ્યાન ગુજરાત સરકારની અન્ય નીતિઓમાં લાભ લેવા માટેની અરજી આપેલ હતી તેઓની અરજી માન્ય રાખી તેઓને જે-તે પોલિસીઓનો લાભ આપવા રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી હતી.

ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯ આગામી તા. ૩૧ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ એક્સપાયર થવા જઈ રહી છે તથા વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાત સરકાર નવી ટેક્ષ્ટાઈલ નીતિ બનાવવા જઈ રહી છે તે સંદર્ભે પણ ચેમ્બરના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા દ્વારા નવી ટેક્ષ્ટાઈલ નીતિ બનાવવા માટેના સૂચનોની યાદી ઉદ્યોગ કમિશ્નર શ્રી સંદીપ સાગળેને રૂબરૂમાં આપી હતી.

ચેમ્બર પ્રમુખ દ્વારા આ યાદીમાં સસ્ટેનેબલ ટેક્ષ્ટાઈલ માટે ખાસ પ્રોત્સાહનો જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રીન એનર્જીના વપરાશ માટે કેપિટલ સબસીડીની માંગણી કરવામાં આવી છે તથા સરક્યુલર ઈકોનોમી, રિસાયકલેબલ યાર્ન બનાવવાની ઔદ્યોગિક પ્રવૃત્તિને અન્ય એકમો કરતા વધુ લાભ મળે તે અંગે પણ રજૂઆત પાઠવવામાં આવેલ છે.

ઉપરોક્ત તમામ પ્રશ્ને માનનીય ઉદ્યોગ કમિશ્નરશ્રી દ્વારા ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા જે કોઈપણ ટેક્ષ્ટાઈલ એકમોની ટેક્ષ્ટાઈલ પોલિસી ૨૦૧૯ હેઠળ સબસીડી પેન્ડીંગ છે તેનું લીસ્ટ લેખિતમાં માંગવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે તે તમામ લીસ્ટ ઉપર તપાસ કરી તાત્કાલિક તેઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તથા તેઓ દ્વારા સુરતના ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી છે. ટૂંક જ સમયમાં તેઓ પોતાની ટીમ સાથે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button