
સુરતઃ ભારત સરકારનાં ટેક્સટાઇલ મંત્રાલયના નેશનલ હૅન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએચડીસી) લિમિટેડ દ્વારા સિટી લાઈટ સ્થિત મહારાજા અગ્રેસન ભવનખાતે તા.૧૧મી ઓગષ્ટ સુધી ચાલનારા સિલ્ક ફેબ એક્ઝિબિશનનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ઉદ્ઘાટન કર્યું હતું. હેન્ડલૂમની કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓમાં ૧૨ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ,પ્રાથમિક હાથવણાટ વણકર સહકારી મંડળીઓ/હાથવણાટની એજન્સીઓ સામેલ છે.
આ અવસરે મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશે મહિલાઓને સિલ્ક વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હૅન્ડલૂમ ક્ષેત્ર આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. હૅન્ડલૂમ વણાટની કળામાં તેની સાથે પરંપરાગત મૂલ્યો જોડાયેલા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૭ ઓગષ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે જાહેર કર્યો છે. જે મહિલાઓ ઘરે હેન્ડલુમનું કામ કરે છે તેઓએ કોરોનાનાં જેવા કપરા સમયમાં હૅન્ડલૂમ પોતાના ઘરની જવાબદારી સંભાળી છે. સરકાર દ્વારા હૅન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટને એક લોગો આપવામાં આવ્યો છે
જેમાં ૧૫૬ પ્રકારની પ્રોડક્ટને સરકાર દ્વારા યોગ્ય પરખ માટે GI ટેગ આપવામાં આવ્યો છે. હૅન્ડલૂમ ઉત્પાદનોની વિશિષ્ટતા વિશ્વભરના ગ્રાહકોને વિશિષ્ટ વણાટ,ડિઝાઇન અને પરંપરાગત ભાતો સાથે આકર્ષિત કરે છે. ભારત પાસે રહેલા વૈવિધ્યસભર વારસાને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે દેશભરમાં થકી હસ્તકલાકારોને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
આ પ્રદર્શન ૧૧મી ઓગષ્ટ ૨૦૨૩ સુધી સવારે ૧૧.૦૦ થી સાંજના ૮.૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનમાં ભારતના ૧૨ રાજયોમાંથી આવેલા કારીગરો દ્રારા ૫૨ જેટલા સ્ટોલ્સમાં કલાકારો દ્વારા હાથ બનાવટથી નિર્મિત સાડીઓ, સિલ્ક હૅન્ડલૂમ ફેબ્રીક ઉત્પાદનો પ્રદર્શન સહ વેચાણ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
દેશભરમાંથી આવેલા હસ્તકલાકારોની અવનવી સાડીઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં પ્રદર્શનમાં બિહારની તુસાર,ગીચા,મધુબની પેઇન્ટિંગ સાડીઓ, છત્તીસગઢના કાંથા, આદિવાસી કાર્ય, કોસા સિલ્ક સાડીઓ, ગુજરાતના પટોળા સાડી, ડબલ ઇકત, ટાંગલિયા,મધ્ય પ્રદેશની ચંદેરી સાડી, મહેશ્વરી સાડી, મહારાષ્ટ્રની તુસાર સિલ્ક ફેબ્રિક્સ, નાગપુર કોટન સાડી,તેલંગાણા રાજયની પોચેમ્પલી સાડી, સિદ્દીપેટ ગોલાબમ્મા સાડી, નારાયણપેટ સાડી, ઉત્તર પ્રદેશની બનારસી, તાંચોઈ, જમદાની, જામાવર (બનારસી),રાજસ્થાનના લહેરિયા,ગોતા પટ્ટી, બંદિની, પશ્ચિમ બંગાળના બાલુચારી, કાંથા, જમદાની સાડીઓ, આસામ, કર્ણાટક અને આંઘ્રપ્રદેશના વિવિધ સ્ટોલમાં પ્રદર્શન કમ વેચાણ માટે મુકવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ, ટેક્સટાઇલ મંત્રાલયના ડીજીએમશ્રી જીતેન્દ્ર પરોહિત, (NHDC) સિનિયર ઓફિસરશ્રી વિજયભાઇ, સ્થાનિક કોર્પોરેટરો, મહીલા અગ્રણીઓ, વિવિધ રાજ્યમાંથીઆવેલ સ્ટોલ ધારકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.