બાગાયત કચેરી દ્વારા સુરતની મહિલાઓને ફળ-ફુલ-શાકભાજીના મૂલ્યવર્ધન અંગે તાલીમ આપવામાં આવી
બહેનોને તાલીમની સાથે સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે
સુરતઃ સુરતના બાગાયત વિભાગ દ્વારા કેનિંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત તા.૨૪ થી ૨૮મી ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ માટે ફળ-ફૂલ-શાકભાજીના મૂલ્યવર્ધનની તાલીમ અડાજણ સ્થિત મનપાના UCD સેન્ટર ખાતે યોજાઈ હતી. આ તાલીમમાં અડાજણ વિસ્તારની ૨૨ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરતના કેનિંગ અધિકારી અંકુરભાઈ પટેલ અને પ્રિયંકાબેન પટેલે પાંચ દિવસ દરમ્યાન બહેનોને ફળ-ફૂલ-શાકભાજીની વિવિધ ૧૫ જેટલી મૂલ્યવર્ધિત બનાવટો તૈયાર કરતા શીખવ્યું હતું,
જેમાં કેળા, બટાકા અને રતાળુની વેફર્સ, વરિયાળી-અળસી-ધાણાદાળનો મુખવાસ, મરચાના અથાણા, પપૈયાનો જામ, પપૈયાની ટુટી- ફૂટી, જાસુદનું સિરપ, આંબળાનો મુરબ્બો, લીંબુની ચટણી, પાઈનેપલ સ્કવોશ, ઓરેન્જ જેલી વગેરે જેવી બનાવટો સ્થળ ઉપર બનાવીને બતાવી હતી. આ તાલીમના આયોજનમાં UCDના અધિકારીશ્રી આર.સી.પટેલ અને ધર્મેશભાઈનો સહયોગ મળ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટર ઉર્વશીબેન પટેલે બહેનોને સહભાગી થવા માટે પ્રેરણા આપીને તાલીમ માટે જહેમત
ઉઠાવી હતી.
તાલીમના છેલ્લા દિવસે સુરત વિભાગના સંયુક્ત બાગાયત નિયામકશ્રી ડો.એચ.એમ. ચાવડાએ તાલીમાર્થી બહેનોને તાલીમબદ્ધ થઈને આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશ પડાલિયાએ શહેરમાં રહેતી
બહેનો માટે બાગાયત ખાતાની કેનિંગ અને કિચન ગાર્ડન યોજનાની ઉપયોગિતા સમજાવીને બહેનો સામૂહિક રીતે મૂલ્યવર્ધન તરફ વળે અને મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓનું વેચાણ કરી આર્થિક પગભર થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમાર્થી બહેનોને તાલીમની સાથોસાથ પ્રતિ દિન રૂ.૨૫૦નું સટાઈપેન્ડ પણ બાગાયત ખાતા દ્વારા તેઓના બેંક ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે. ઉપરાંત તાલીમ લીધા અંગેનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.