સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર – ઉદ્યોગના વિકાસની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ ઉપાડી લેવામાં આવે છે. દેશના ભવિષ્ય સમા વિદ્યાર્થીઓમાં અભ્યાસ કાળથી જ ભણતરની સાથે ટ્રાફિકની પણ સમજ કેળવાય તે હેતુથી જાગૃતિ કાર્યક્રમોના ભાગ રૂપે ચેમ્બરની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટી દ્વારા સોમવાર, તા. ૧૭ એપ્રિલ ર૦ર૩ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧રઃ૩૦ કલાક દરમ્યાન ઉધનામાં વિજયાનગર પાસે આવેલી સુમન હાઇસ્કૂલ નં. ૬ ખાતે ‘ટ્રાફિક ટ્રેનિંગ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના ચેરપર્સન કામિની ડુમસવાલા તથા કમિટીના સભ્યો બ્રિજેશ વર્મા, મુકેશ પટેલ અને દિલીપ શાહે સુમન હાઇસ્કૂલમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો વિષે ટ્રેનિંગ આપી હતી. વાહન હંકારતી વખતે હેલ્મેટ નહીં પહેરવાને કારણે તેમજ કારમાં સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે કમનસીબે અકસ્માતમાં ચાલકે જીવ ગુમાવવો પડતો હોવાના દાખલા આપી હેલ્મેટ અને સીટ બેલ્ટનું વિદ્યાર્થીઓને મહત્વ સમજાવ્યું હતું. વાહન હંકારતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવો જોઇએ તથા રસ્તા ઉપર પગપાળા જતી વખતે હમેશા જમણી બાજુએ જ ચાલવું જોઇએ વિગેરે વિષે સમજણ આપવામાં આવી હતી.
ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અને રેડ સિગ્નલ વિષે સૌને જાણકારી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓને ઓરેન્જ સિગ્નલ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કેટલીક વખત એવું થતું હોય છે કે વાહનની ગતિ વધારે હોવાથી વાહનચાલક અચાનક રેડ સિગ્નલ થયા બાદ વાહનને કાબૂમાં લઇ શકતા નથી અને તેને કારણે અકસ્માત થવાનો ભય હોય છે, આથી રેડ સિગ્નલ થતા પહેલાં ઓરેન્જ સિગ્નલ કરવામાં આવે છે. ઓરેન્જ સિગ્નલ થાય એટલે વાહનચાલકને ખ્યાલ આવી જાય છે કે હવે રેડ સિગ્નલ થશે એટલે એણે વાહન ધીમું કરવાનું રહે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને રોડ સેફટીના જુદા–જુદા નિયમો તથા લાયસન્સના મહત્વ વિષે જાણકારી આપવામાં આવી હતી. રસ્તા ઉપર થતા અકસ્માતોને કેવી રીતે ઘટાડી શકાય ? તે અંગે પણ તેઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ચેમ્બર દ્વારા ટ્રાફિકની ટ્રેનીંગ પ્રોગ્રામ દરમ્યાન વિદ્યાર્થીઓને જે માહિતી આપવામાં આવી તેની જાણકારી તેઓના માતા–પિતા, પરિવારજનો તથા સગા સંબંધિઓને પણ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.