સુરત

ઉત્તર ભારતીયોની નવી ટ્રેનોની પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલનની ચીમકી

બુધવારે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને સંબોધિત કરતું એક આવેદનપત્ર ઈન્ટુક દ્વારા સુરત રેલવે સ્ટેશનના ડાયરેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તમે જાણતા જ હશો કે દક્ષિણ ગુજરાત દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં ઉત્તર ભારતનાં 20 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે, જેમાંથી મોટાભાગના શ્રમિકો છે, જેમના પરિવહન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ સુરતથી યુપી, બિહાર, ઝારખંડ સહિત ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે, જેથી મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે એટલું જ નહીં, તેમનું શોષણ પણ થાય છે, આ હકીકતથી રેલવે પ્રશાસન પણ સારી રીતે પરિચિત છે.

મે-જૂન 2023ની ઉનાળાની ઋતુ માટે તાપ્તી ગંગા સહિતની તમામ ટ્રેનોમાં હાલથી જ ભારે વેઇટિંગ લિસ્ટ છે જે સાબિતી આપે છે કે ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સરખામણીમાં ટ્રેનોની સંખ્યા ખૂબ જ અપૂરતી છે. છેલ્લા એક દાયકાથી આ માંગણી માટે ઈન્ટુક સહિત અન્ય વિવિધ સંગઠનો સંઘર્ષ કરી રહ્યા છે, જે અંતર્ગત રેલી, સેંકડો જાહેર સભાઓ, રેલ રોકો આંદોલન, રેલ્વે મંત્રીનો ઘેરાવ, અને રેલ્વેના જીએમ, ડીઆરએમ સહિત વિવિધ અધિકારીઓ સાથે વિવિધ તબક્કે પત્રવ્યવહાર કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં રેલ્વે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલ્વે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલ્વે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ઉધના જલગાંવ રેલ્વે લાઇન ડબલ-ટ્રેક થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે, પરંતુ આજ દિન સુધી નવી ટ્રેન અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી.

ઇન્ટુકનાં વરિષ્ઠ નેતા અને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના વરિષ્ઠ સભ્ય શાન ખાને જણાવ્યું હતું કે રેલ્વે પ્રશાસન તેમના વચનને પૂર્ણ કરી રહ્યું નથી, નવી નિયમિત ટ્રેનો શરૂ કરવાને બદલે, રેલ્વે પ્રશાસન સિઝન સમયે વિશેષ ટ્રેનો ચલાવી ડબલ – ત્રીપલ ભાડું વસૂલ કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે રેલ્વે પ્રશાસન ઉત્તર ભારતીયોને સુનિયોજિત રીતે લુંટવાનું કામ કરી રહ્યું છે, તેથી અમે રેલ્વે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, અન્યથા અમને રેલ કોરો અને સુરતમાં નવા સ્ટેશનના નિર્માણનો વિરોધ કરવા જેવા ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે, જેની સમગ્ર જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે.

આ પ્રસંગે સુરત ઇન્ટુક પ્રમુખ ઉમાશંકર મિશ્રા, ઇન્ટુકનાં વરિષ્ઠ અગ્રણી અને સંઘર્ષ સમિતિના વરિષ્ઠ સભ્ય શાન ખાન, શશી દુબે, મોહન કનોજિયા, પરશુરામ ગુપ્તા, મહેશ શુક્લા, રિંકુ દુબે, અલ્તાફ ફ્રુટવાલા, જન્મેજય શુક્લા સહિત ઇન્ટુક અને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. .

મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:-

(1) સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે જે સુરતથી ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, નૈની, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર થઈને અયોધ્યા પહોંચે.

(2) સુરતથી પટના નવી ટ્રેન શરૂ કરવામાં આવે. જે સુરતથી વડોદરા, રતલામ, ઉજ્જૈન, સુજલપુર, બીના, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને પટના પહોંચે.

(3) સુરતથી વાયા ગયા રાંચી ઝારખંડ માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે.

(4) 19063 ઉધના દાનાપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(5) 19051 શ્રમિક એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(6) 19053 સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.

(7) 11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસનો રૂટ વધારી બાંદ્રાથી વાયા ગોંડા ગોરખપુર સુધી કરવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button