સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વિવિધ કૃત્યો ઉપર પ્રતિબંધ
૩૧ ડિસેમ્બરની ઉજવણી સ્થળોના આયોજકો અને માલિકોએ કાર્યક્રમની પૂર્વ મંજુરી લેવી પડશે
સુરત : ૩૧ ડિસેમ્બરના દિવસે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષના પર્વની તમામ ઉજવણી સ્થળોના આયોજકો અને માલિકોએ કાર્યક્રમની પૂર્વ મંજુરી પોલીસ કમિશ્નરની કચેરી ખાતેથી મેળવવા તેમજ વિવિધ કૃત્યો ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ શહેરના જાહેર રસ્તા/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ ફટાકડા ફોડવા/ સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા, બેફામ બાઈક ચલાવવા, ફોર વ્હીલરના બોનેટ ઉપર કે ડિકી ખોલીને બેસવા, રસ્તાઓ પર પાણીની બોટલ ફેકવા, તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા, જાહેરમાં જોરશોરથી માઈક- ડીજે-મ્યુઝિક વગાડવા, પાનના ગલ્લા ઉપર ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થવા, ટ્રાફિકમાં નડતરરૂપ થવા અને માદક પદાર્થ લેવા કે વહેચવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બરની ઉજવણી સ્થળોના આયોજકો અને માલિકોએ તમામ ઉજવણી સ્થળોના ગેટ અને પાર્કિંગ પર નાઈટ વિઝન સી. સી.ટી.વી. કેમેરા લગાવવા અને ફાયર સેફટી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
આ હુકમનો અમલ તા. ૦૧/૦૧/૨૦૨૩ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામાં દ્વારા જણાવાયું છે.