સુરત રેલવે સ્ટેશન પર વાહન પાર્કિંગ માટે જગ્યાના અભાવે લોકોને ભારે હાલાકી
સુરત શહેર ઈંટુક દ્વારા સુરત રેલ્વે સ્ટેશનના ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરત રેલ્વે સ્ટેશન પર વાહન પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી સુરત રેલવે સ્ટેશનના પૂર્વ છેડે એટલે કે પ્લેટફોર્મ નંબર ૪ તરફ મેટ્રો ટ્રેનનું કાર્ય પ્રગતિ પર હોવાના કારણે પૂર્વ તરફનું પાર્કિંગ સદંતર બંધ છે, જેના કારણે સમગ્ર વાહન વ્યવહારનું ભાર સુરત રેલ્વેના પશ્ચિમ તરફ મુખ્ય દ્વારા પર ભેગો થઈ ગયો છે, જેના કારણે હાલની પાર્કિંગ વ્યવસ્થા વાહનોની સંખ્યાના પ્રમાણમાં અપૂરતી સાબિત થઈ રહી છે.
સુરત રેલ્વે સ્ટેશન પર દરરોજ હજારો ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની અવરજવર રહે છે, છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્કિંગની જગ્યા ઓછી હોવાથી સ્ટેશન પર આવતા મુસાફરો અને તેમના પરિવારજનોને પાર્કિંગની જગ્યા ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ઘણા લોકો ટ્રેન છૂટી જાય છે જે ખૂબ જ પીડાદાયક બાબત છે.
શહેર ઈંટુકનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રા, ઈંટુક અગ્રણી શાન ખાન અને ઉપપ્રમુખ કરુણાશંકર તિવારીએ જણાવ્યું હતું કે અમે સુરત રેલવે સ્ટેશન પર પશ્ચિમ દ્વાર પર પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી છે.આશા રાખીએ છે કે મુસાફરોને થઈ રહી હાલાકીઓને ધ્યાને લઈ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે.
ઈંટુક ની માંગણીઓ નીચે મુજબ છે.
(1) લો લેવલના પાર્કિંગની નજીક આવેલી ઈલેક્ટ્રિક ઓફિસને દૂર કરીને તે જગ્યા પાર્કિંગ માટે આપવી જોઈએ.
(2) પ્રીમિયમ પાર્કિંગ અને વીઆઈપી પાર્કિંગ જે ભૂતકાળમાં ચાલતા હતા તે ફરીથી શરૂ કરવા જોઈએ.
(3) હાઈ લેવલ ઉપર બનાવેલ પાર્સલ ગોડાઉન અને પાણીના ગોડાઉનને સ્થળાંતર તે જગ્યા પાર્કિંગ માટે ફાળવવી જોઈએ.