સુરતની સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો
નર્સિંગ કોલેજમાં હાલ અભ્યાસ કરી રહેલા કુલ ૬૩ વિદ્યાર્થીઓ પૈકી જમ્મુ કાશ્મીરના ૮ વિદ્યાર્થીઓ સામેલ
સુરત સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો નર્સિંગ કોલેજના સભાગૃહમાં લેમ્પ લાઈટીંગ અને શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં સુરત મનપાના સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ અને નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણના વરદ્દ હસ્તે નર્સિંગ વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટિંગેલની તસ્વીર પાસેની પ્રજ્જવલિત જ્યોતમાંથી પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં રહેલ મીણબત્તીને જ્યોતિમાન કરી નર્સિંગ વ્યવસાય દ્વારા જીવનભર માનવસેવામાં કાર્યરત રહેવાના શપથ લીધા હતાં.
મહત્વપૂર્ણ એ છે કે, આ નર્સિંગ કોલેજમાં હાલ અભ્યાસ કરી રહેલા કુલ ૬૩ વિદ્યાર્થીઓ પૈકી જમ્મુ કાશ્મીરના ૮ વિદ્યાર્થીઓ પણ સામેલ છે. જેમને કેન્દ્ર સરકારની પ્રાઈમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ સ્કોલરશીપ યોજના (PMSSS) હેઠળ સ્પેશ્યલ ક્વોટામાં મેરીટના આધારે એડમિશન મળ્યું છે.
આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલે જણાવ્યું હતું કે, ડોકટરો અને નર્સિંગ સ્ટાફ એક સિક્કાની બે બાજુ છે. કોરોનાની પરિસ્થિતિમાં સિવિલના તબીબો અને નર્સિગ સ્ટાફે સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના જીવના જોખમે પોતાની ફરજ બજાવી હતી. આ સેવાભાવનાને જાળવી રાખી પીડિતો, રોગિષ્ઠ અને ઘાયલ દર્દીઓની નિષ્ઠાથી સારવાર સેવાના યજ્ઞને વધુ દ્રઢતાથી પ્રજ્વલિત કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. નર્સિંગ તાલીમ દરમિયાન જ દર્દીઓ સાથે વર્તન, વ્યવહાર અને સેવાના ગુણો શીખવવામાં આવે છે, ત્યારે અભ્યાસના ચાર વર્ષ કોલેજમાં પરિવારભાવના સાથે વિતાવી વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઈટિંગેલના નૈતિક મૂલ્યોને આત્મસાત કરવા આહ્વાન કર્યું હતું.
નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી માનવસેવાના ઉમદા કાર્યમાં જોડાતા નર્સિંગના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. નર્સિંગ તાલીમાર્થીઓએ ‘સે નો ટુ ડ્રગ્સ’ની થીમ પર આકર્ષક રંગોળી દોરી હતી, તેમજ રાષ્ટ્રીયતા પર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.ઋતંભરા મહેતા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરીશ્રી કિરણભાઇ દોમડીયા સહિત તબીબી-નર્સિંગ સ્ટાફ, સ્થાનિક નર્સિંગ એસો. ટીમના સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.