ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ સંપન્ન
182 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી
ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ દિક્ષાંત સમારંભ તારીખ 21મી મેના રોજ સાંજે 6 વાગે યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને માર્ગ, મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન, યાત્રાધામ વિકાસના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારંભમાં ભગવાન મહાવીર સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના 182 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. ચાર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી અનિલ જૈન અને સંજય જૈને જણાવ્યું કે વર્ષ 2019 માં ભગવાન મહાવીર યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી.
બે વર્ષનો કોર્સ પૂર્ણ થતા આજે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. યુનિવર્સિટીમાં 22 કોલેજમાં 100 થી વધુ કોર્ષ ચાલી રહ્યા છે. આગામી વર્ષે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવશે. શિક્ષકો અને ટ્રસ્ટીઓએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી.
મનોરંજન માટે કિર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાયો
દિક્ષાંત સમારંભના સમાપન બાદ ગુજરાતના ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ડાયરામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, ટ્રસ્ટી, શિક્ષકો અને લોકો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ગુજરાતી ડાયરાનો આનંદ લીધો હતો.