આરોગ્ય સેવામાં ગુજરાત ગ્લોબલ ડેસ્ટીનેશન રૂપે ઉભરી રહ્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
'ભગવાન મહાવીર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર'નું ભૂમિપૂજન તેમજ અલ્ટ્રા મોડર્ન 'ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલ'નું ઉદ્દઘાટન
સુરતઃરવિવારઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસ-વેસુ ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે ‘ભગવાન મહાવીર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’નું ભૂમિપૂજન તેમજ રૂ.૪૬ કરોડનાં ખર્ચે આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતાપ્રાપ્ત અલ્ટ્રા મોડર્ન ‘ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલ’નું ઉદ્દઘાટન સંપન્ન થયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સંસ્કૃતિનું પોષક છે. સરસ્વતી હંમેશા દોષ દૂર કરનારી અને મુક્તિ આપનારી હોય છે, ત્યારે માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પણ હોલિસ્ટીક એપ્રોચ સાથેના નવતર અને જ્ઞાનસભર શિક્ષણની જરૂરત છે તેમ ભારપૂર્વક જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કૌશલ્ય અને જ્ઞાન સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારો અને લાગણીનું સિંચન કરવું જરૂરી છે.
આરોગ્ય સેવામાં આજે ગુજરાત ગ્લોબલ ડેસ્ટીનેશન રૂપે ઉભરી રહ્યું છે એવો સહર્ષ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, માત્ર આરોગ્ય સેવા જ નહીં, પણ શિક્ષણ સહિત અનેકવિધ ક્ષેત્રોમાં મોડેલ સ્ટેટ તરીકે રાજ્યના વિકાસની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવે છે. આ વર્ષે રાજ્યના બજેટમાં શિક્ષણ માટે રૂ.૩૪,૮૮૪ કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવી લોકસેવાના યજ્ઞમાં સમાજસેવકોનો પૂર્ણ સહયોગ મળતો રહે એ પણ અપેક્ષિત હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સુધારકોના શહેર કહેવાતા સુરતમાં હોસ્પિટલ અને શાળાના માધ્યમથી શિક્ષણ અને આરોગ્યધામનો સુભગ સમન્વય સર્જાયો છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ અહિંસા અને ધર્મભાવનાના પ્રણેતા ભગવાન મહાવીરને યાદ કરી ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના શિક્ષણ થકી સમાજ કલ્યાણના પ્રયાસોને બિરદાવ્યા હતાં.
બાળકના સુદ્રઢ ભવિષ્યને ઘડવાની જવાબદારી આપણા સૌની છે તેમ જણાવતાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે સુરતની આ ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલમાં બાળકોને ‘ભાર વગરનું ભણતર’ મળશે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો અને ધો.૫ સુધી માતૃભાષામાં જ અભ્યાસ કરાવવો જોઇએ તેવો મત રજૂ કર્યો હતો. તેમજ અહીંની શાળામાં રાષ્ટ્રભાવના સાથે દેશ માટે યોગદાન આપવાના ‘વન વીક ફોર નેશન’ પહેલની તેમણે સરાહના કરી હતી.
વૈજ્ઞાનિકો, શિક્ષણવિદ્દો અને સંશોધકોએ કરેલા માનવજીવનને ઉપયોગી પ્રયોગોનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ તેમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે વિશ્વના એક સંશોધનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ૮ વર્ષની ઉંમર સુધીમાં બાળક જીવનનું ૮૦ ટકા ભાથું મેળવી લે છે, ત્યારે નાની ઉંમરથી જ બાળકને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ મળે તે આવશ્યક છે. નવી શિક્ષણ નીતિ અનુસાર બાળકની રસરૂચિને અનુરૂપ શિક્ષણ આપવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરવું એ સમયની માંગ છે.
પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે, કોરોના કાળમાં આરોગ્ય અને શિક્ષણને વિપરીત અસર થઈ, પરંતુ રાજ્ય સરકારે આ બંને ક્ષેત્રને નવી ઊર્જા પૂરીને વિકાસના માર્ગમાં નિમિત્ત બનાવ્યાં છે. તેમણે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું સોપાન અને કોન્સેપ્ટ સ્કુલના નવતર પગલું ભરવા બદલ ટ્રસ્ટીઓને અભિનંદન આપ્યાં હતાં.
ટ્રસ્ટી જગદીશ જૈનએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, સંસ્થાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ, પુસ્તકોના વાંચન અને અભ્યાસેત્તર પ્રવૃત્તિસભર વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરીએ છીએ. અહીં અભ્યાસ કરતાં તમામ વયના બાળકો માટે શારીરિક અને માનસિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા તથા ધારાસભ્ય વિવેક પટેલ, ઝંખનાબેન પટેલ, કાંતિભાઈ બલર, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, મ્યુ. કમિશનર બંછાનિધિ પાની, ટ્રસ્ટીઓ સંજય જૈન અને અનિલ જૈન સહિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.