સુરત

ગણતંત્ર દિવસ પર -યુથ નેશન અને સુરત પોલીસના સંયુક્ત પ્રયાસથી યોજાઈ મેગા ડ્રગ અવેરનેસ માર્ચ

નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

સુરત: નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરતમાં 26મી જાન્યુઆરી, સોમવારના રોજ એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ‘યુથ નેશન’ સંસ્થાનાદ્વારા ગણતંત્ર દિવસના અવસરે યોજાયેલા આ મેગા ડ્રગ અવેરનેસ કાર્નિવલમાં હજારો નાગરિકોની હાજરી વચ્ચે નશા વિરુદ્ધ મજબૂત સંદેશ આપવામાં આવ્યો.

ઉધના-મગદલ્લા રોડ પર પ્રાઇમ શોપર્સથી વાય જંકશન સુધી આશરે એક કિમી લાંબી માર્ચ યોજાઈ હતી. સમગ્ર માર્ગ પર ૨૨ અલગ-અલગ સ્ટેજ તૈયાર કરાયા હતા, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, સંગીત, નૃત્ય અને ડ્રગ્સ વિરોધી સંદેશ આપતી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી. નશાની લતમાંથી બહાર આવેલા યુવાઓએ પોતાના અનુભવો રજૂ કરી લોકોને જાગૃત કર્યા.

 સુરત પોલીસની ભવ્ય પરેડ બની આકર્ષણ

સુરત પોલીસ ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સુરત પોલીસની ભવ્ય પરેડ રહી. આશરે ૫૦૦થી વધુ પોલીસકર્મીઓએ પરેડમાં ભાગ લીધો હતો. પરેડને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સલામી આપી હતી. આ દરમિયાન મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ફોરેસ્ટ IPS અધિકારી, સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 વિશાળ તિરંગો, સ્ટંટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

કાર્યક્રમના અંતે ૫૪ લોકો દ્વારા વિશાળ તિરંગો ફરકાવવામાં આવ્યો, જે દ્રશ્ય દેશભક્તિના ભાવોથી ભરપૂર હતું. સાથે સાથે

૨૦×૨૦ ફૂટની ‘Say No to Drugs’ થીમ પર આધારિત રંગોળી, દાંતથી ૬ કાર ખેંચવાનો સ્ટંટ, શેરી નાટકો અને સાંસ્કૃતિક રજૂઆતો એ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો જયારે શહેરની યુવાન મહિલા પાયલટ જાણીતા કલાકાર ફ્રેડી દરુવાલા, જય થાડેશ્વર વગેરેની વિશેષ હાજરી રહી હતી.

શહેરના પ્રતિષ્ઠિત લોકો જોડાયા

‘યુથ નેશન’ના એડવાઇઝરી બોર્ડમાં કે.પી. ગ્રુપના ફારૂક પટેલ, સુરાણા ગ્રુપના સંજય સુરાણા, ફોસ્ટા ચેરમેન કૈલાશ હાકિમ, જૈનમ બ્રોકરેજના મિલન પારેખ, સીએ પ્રદીપ સિંઘવી સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ અને યુવા માર્ગદર્શક ગૌરવ ધારિવાલ પણ માર્ગદર્શન આપી રહ્યા છે. સુરત યુનિટના અધ્યક્ષ ધ્રુવ મરેડિયાની ટીમે આયોજનને સફળ બનાવ્યું.

“ડ્રગ્સ સામેની લડાઈમાં સૌએ સાથે આવવું પડશે” : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “યુથ નેશન છેલ્લા ૧૨ વર્ષથી ગણતંત્ર દિવસના રોજ ડ્રગ્સ વિરોધી જાગૃતિ માટે જે પ્રયાસ કરી રહી છે તે પ્રશંસનીય છે. આવા અભિયાનના કારણે અનેક યુવાનો નશાની લતમાંથી બહાર આવ્યા છે. માત્ર એક દિવસ નહીં, પરંતુ વર્ષભર આવા કાર્યક્રમો થવા જોઈએ. સુરત અને ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક નાબૂદ કરવા સતત કામગીરી કરી રહી છે અને તેમાં સમાજનો સહયોગ અત્યંત જરૂરી છે.”

“આ કાર્યક્રમ નહીં, એક જનઆંદોલન છે” : વિકાસ દોશી

યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે,

“અમે છેલ્લા ૧૨ વર્ષથી સતત ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છીએ. ૨૬ જાન્યુઆરીએ યોજાતો આ કાર્યક્રમ માત્ર ઇવેન્ટ નથી, પરંતુ એક આંદોલન છે. આજે સુરત પોલીસની પરેડ, ૨૨ સ્ટેજ પર કાર્યક્રમો અને હજારો લોકોની હાજરીએ અમારો ઉત્સાહ વધાર્યો છે. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી અમે આ અભિયાનને વધુ વિસ્તૃત કરીશું.”

તેમણે અંતમાં સંદેશ આપતા કહ્યું હતું કે ‘અત્યારે નહીં તો ક્યારે? આપણે નહીં તો કોણ?

Say No to Drugs, Yes to Life.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button