સુરત

સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૧૯૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે:કેન્દ્રીય જળ શક્તિમંત્રી

સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ૩૨માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલે ૧૯૪ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. જળશક્તિમંત્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જે આજે વટવૃક્ષ બની છે. આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કોરોનાકાળ દરમિયાન જોવા મળ્યું હતું. ​કોરોનાના કપરા સમયને યાદ કરતા તેમણે જણાવ્યું કે, આહિર સમાજના તબીબોએ નિઃસ્વાર્થ ભાવે રાત-દિવસ જનતાની સેવા કરી છે, જે ખરેખર વંદનીય છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. વિપશ્યના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, વિપશ્યના દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને તે જીવનના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે છે. તેમણે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી નવદંપતીઓના સુખી જીવનની કામના કરી હતી. તેમણે પ્રભુતામાં પગલાં પાડી રહેલા તમામ દંપતીઓની જીવનની તમામ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, આહિર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલા માત્ર સાત લગ્નથી શરૂ થયેલી શ્રુંખલા આજે ૩૨માં સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે. આ સફર સમાજની જાગૃતિનું પ્રતીક છે.અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરુ અને સાત ફેરા યોજના હેઠળ સાત કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહલગ્નમાં જોડાઈને જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો.

આ સમૂહલગ્નોત્સવમાં તમિલનાડુના સાંસદ યાદવજી, મેયર દક્ષેશ માવાણી, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ધારાસભ્યઓ, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનિષાબેન આહિર, વર્ષાબેન, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, અગ્રણી નટુભાઈ ભાટુ, રધુભાઈ હુંબલ, ભરતભાઈ ડાંગર, ડાહ્યાભાઈ સમાજશ્રેષ્ઠીઓ સહિત આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button