ગુજરાતસુરત

સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

દેશ-વિદેશના ૯૪ પતંગબાજોએ અવનવા રંગબેરંગી પતંગો ચગાવીને સુરતીઓના દિલ જીતી લીધા

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ યોજાયો હતો. જેમાં ૨૧ દેશોના ૪૫ અને ભારતના ચાર રાજ્યોના ૨૦ તેમજ ગુજરાતના ૨૯ મળી કુલ ૯૪ પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.

સાંસદ મુકેશભાઈ દલાલે સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્તરાયણના તહેવારનું વિશેષ ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ છે. પતંગ ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ બની આપણને એકતાનું મહત્વ સમજાવે છે. જેમ પતંગને ઊંચે ઉડવા માટે પવનની યોગ્ય દિશાની જરૂર પડે છે, તેમ જીવનમાં સાચા માર્ગે આગળ વધવાથી પ્રગતિ નિશ્ચિત બને છે. વર્ષ ૧૯૯૮થી સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ખાદ્ય, ફૂલ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો સર્જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનભાગીદારીથી ઉજવાતા પરંપરાગત તહેવારો સમાજમાં હકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આપણી પ્રાચીન પરંપરા અને લોકસંસ્કૃતિને જીવંત રાખતા આવા ઉત્સવો ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોજિત ઉત્સવો અને મેળાઓના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવનો આનંદ માણવા આવે છે. દક્ષિણ ભારતમાં પોંગલ, ઉત્તર ભારતમાં મકરસંક્રાતિના એક દિવસ પહેલાં લોહરી અને પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળો યોજાય છે. આ રીતે મકરસંક્રાતિ પર્વ સમગ્ર દેશને વિવિધતા વચ્ચે એકતાના સૂત્રમાં બાંધે છે.

આ પ્રસંગે મનપાની સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, વિવિધ સમિતિઓના ચેરમેનો, પ્રવાસન વિભાગના એક્ઝીક્યુટીવ તથા કોર્પોરેટરો, મહાનગરપાલિકા-જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પતંગપ્રેમીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button