
સુરત: સશક્ત મહિલા દ્વારા જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. ગુજરાતના આદિવાસી વિસ્તારની નારીઓએ પોતાની હિંમત, હસ્તકલા અને મહેનતના થકી જીવનમાં નવી દિશાનો સંચાર કર્યો. આવા જ પ્રેરણાદાયી ઉદાહરણરૂપ છે, માંડવી તાલુકાના બલેઠી ગામના સંગીતાબેન જિગ્નેશભાઈ ચૌધરી, જેઓ પહેલા માત્ર ગૃહિણી તરીકે ઘરકામ કરતા હતા, પરંતુ મનમાં આત્મનિર્ભર બનવાની ઝંખના હતી. પોતાના પ્રયત્નોને દિશા આપતાં તેમને વિસડાલીયામાં ઉભેલા દેશના પ્રથમ ‘રૂરલ મોલ’ વિશે જાણકારી મળી અને અહીંથી તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો.
રૂરલ મોલમાં વનશ્રી’ રેસ્ટોરન્ટ ચલાવતા સંગીતાબેન ચૌધરી જણાવે છે કે, “શરૂઆતમાં મને રૂરલ મોલમાં કિચનની કામગીરી મળી હતી, જ્યાં લોકો ચા-નાસ્તા માટે આવતા. ધીમે ધીમે વન વિભાગના સહકારથી અમને અહીં જ વનશ્રી નામની રેસ્ટોરન્ટ શરૂ કરવાનો અવસર મળ્યો. અમે ચા-નાસ્તા સાથે ગુજરાતી થાળી, પંજાબી થાળી, નાગલી–બાજરી–ચોખાના રોટલા જેવી સ્થાનિક વાનગીઓની શરૂઆત કરી. પ્રેમપૂર્વક પીરસેલા આ ભોજનને લોકો તરફથી ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો.
વધુમાં સંગીતાબેન જણાવે છે કે, “અહીં લગ્ન પ્રસંગે, જન્મ દિવસોની ઉજવણી અને સરકારી કાર્યક્રમોમાં ઓર્ડર મળે છે. અમારી સાથે સાતથી વધારે કારીગરો રોજગારી મેળવી રહ્યાં છે. દર મહિને અમે રૂ. ૪૦ થી ૫૦ હજારની આવક મેળવીને આત્મનિર્ભર બન્યા છીએ.”

આજે વિસડાલિયા રૂરલ મોલ માત્ર વેપારનું સ્થાન નથી, પરંતુ ૩૪ જેટલા ગામોના આદિવાસી પરિવારોને રોજગાર અને આવકનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે.
સંગીતાબેન ગર્વભેર કહે છે કે, “પહેલાં હું માત્ર ગૃહિણી હતી, પરંતુ આજે હું મારા પગ પર ઊભી છું. રેસ્ટોરન્ટ ચલાવી સારી એવી આવક મેળવી રહી છું અને મારી સાથે અન્ય લોકોને પણ રોજગારી આપી રહી છું. સરકારના આભારી છીએ કે, અમારા જેવા છેવાડાના લોકો માટે આટલું ઉત્તમ માધ્યમ ઉભું કર્યું.”
વન વિભાગના માર્ગદર્શન અને રૂરલ મોલના સશક્તિકરણના કારણે સંગીતાબેન જેવી અનેક મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસતી જાય છે. ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવતા આવા પ્રયત્નો આજે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.



