લિંબાયત વિધાનસભાની ‘સરદાર @150 યુનિટી માર્ચ’ એકતા પદયાત્રા યોજાઈ
સરદાર સાહેબના આદર્શો, એકતા અને અખંડિતતાનો સંદેશ આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ: ધારાસભ્ય સંગીતાબેન પાટીલ

સુરત: આઝાદીના મહાન શિલ્પી, લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન અવસરે લિંબાયત વિધાનસભાની “સરદાર @150 યુનિટી માર્ચ” એકતા પદયાત્રા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મહાનુભાવોએ આ શુભ અવસરે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા હતા.
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે આરઝી હકૂમત સૌ સેનાનીઓને વંદન કરી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, સરદાર સાહેબના આદર્શો, એકતા અને અખંડિતતાનો સંદેશ આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના આ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સંકલ્પ છે.
દરેક નાગરિક સમરસતા અને એકતાના ભાવ સાથે વિકસિત ભારતની આ યાત્રામાં સહભાગી બને અને ‘સ્વદેશી’ અપનાવી દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે એમ શ્રીમતી પાટીલે જણાવ્યું હતું.
ઢોલ-નગારા, ફૂલહાર અને જયઘોષ સાથે ઠેર ઠેર લોકોએ ઉમળકાભેર યાત્રાને આવકારીને સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી. પદયાત્રામાં અગ્રણી મારૂતિસિંહજી અટોદરિયા, સુરત શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, કોર્પોરેટરો, વોર્ડ પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, NCC, NSS, માય ભારત વોલન્ટીયર્સ, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો, રમતવીરો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને . દેશપ્રેમના રંગે રંગાયા હતા.



