સુરત

સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નેત્રમ’નું લોકાર્પણ

શહેરની સુરક્ષા વ્યવસ્થાને ટેક્નોલોજી સાથે વધુ મજબૂત બનાવવાની દિશામા પગલુંઃ 'નેત્રમ'ની સેન્ટ્રલાઈઝ મોનિટરીંગની અદ્યતન સુવિધા

સુરત શહેરને વધુ સુરક્ષિત અને પીપલ સેન્ટ્રીક બનાવવા એક મહત્ત્વપૂર્ણ પગલાના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે CCTV- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નેત્રમ’નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. શહેર પોલીસ દ્વારા જનભાગીદારી અને આધુનિક ટેક્નોલોજીના સંયોજનથી તૈયાર કરાયેલ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરના સર્વેલન્સ નેટવર્કને વધુ અસરકારક બનાવશે.

સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઈઝ કરીને ‘નેત્રમ’ની રચના કરવામાં આવી છે. અહીં બોડી વોર્ન (Body Worn) ૩ કેમેરાનું લાઈવ મોનિટરીંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે. કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલટાઈમ મોનિટરીંગ શક્ય બન્યું છે.

શહેર પોલીસને કુલ ૧૪૬૦ CCTV કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી ૧૩૩૩ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, અને તેમાંનાં હાલ ૭૦૯ કેમેરા કાર્યરત છે. આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે, જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે.

ગાંધીનગર સ્થિત ‘ત્રિ-નેત્રમ’થી થશે સુરત કેમેરા સિસ્ટમનું લાઈવ મોનિટરીંગ

સુરત શહેરના તમામ CCTV કેમેરા સિસ્ટમનું મોનિટરીંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત ‘ત્રિ-નેત્રમ’થી સુરત શહેરના કેમેરાઓનું સીધું લાઈવ સુપરવિઝન કરવામાં આવશે. સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનને કારણે DGP ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના ‘નેત્રમ’ની લાઈવ ફીડ જોઈ શકાશે, જેના કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઈમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે.

આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સેક્ટર-૨ સંયુક્ત પો.કમિશનર કે. એન.ડામોર, સંયુક્ત પો.કમિશનર(ક્રાઇમ)  રાઘવેન્દ્ર વત્સ, વિશેષ પો.કમિશનર વાબાંગ ઝમીર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button