નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે. આ અવસરને વધુ જીવંત બનાવવા માટે શાળામાં “નાનકડા હાથ, અનંત સપના” થીમ હેઠળ વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
બાળકોની કલ્પનાશક્તિને પાંખ મળે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. બાંધણી કલા, એડ ડિઝાઇન, ટીસ્યુ આર્ટ, સ્ટ્રિંગ આર્ટ, કાર્ટૂન બનાવવું, જૂની કંકોત્રીમાંથી એન્વેલોપ બનાવવું, કોયડા ઉકેલવા, પપેટ શો અને સાપ-સીડી રમત પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. આ ઉજવણી બધા બાળકો માટે શીખવા, રમવા અને આનંદ માણવાનો સુંદર મંચ બની. દરેક નાનકડા હાથમાં કંઈક નવું સર્જવાની ઉત્કંઠા ઝળહળી ઉઠી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની સર્જનાત્મકતા, સહકાર ભાવના અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો હતો. જેમ પંડિત જવાહરલાલ નેહરુજીને બાળકોમાં દેશનું ભવિષ્ય દેખાતું હતું, તેમ આ દિવસ બાળકોના સપનાઓને હકીકતમાં રૂપાંતરિત કરવાની પ્રેરણા આપે છે. નવચેતન અદાણી વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહિત થઈને ભાગ લીધો હતો.



