ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉત્કૃષ્ટ ગુરૂવર્ય એવોર્ડ સમારોહ યોજાયો
સુરતના પ૬ શિક્ષકોને સન્માનિત કરાયા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શિક્ષક દિનની ઉજવણીના ભાગ રૂપે તા. પ સપ્ટેમ્બર, ર૦રપના રોજ સેમિનાર હોલ– એ, સંહતિ, સરસાણા, સુરત ખાતે ઉત્કૃષ્ટ ગુરૂવર્ય એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના પ૬ શિક્ષકો એટલે કે ગુરૂવર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આજે સમાજને સંસ્કાર અને જ્ઞાન આપતા શિક્ષકોનું સન્માન કરવાની તક અમને મળી હતી, જે અમારા માટે ગૌરવની વાત છે. શિક્ષકો એ જ સાચા રાષ્ટ્રનિર્માતા છે. શિક્ષક એ સમાજ અને દેશનું ભવિષ્ય ઘડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ગુરુના માર્ગદર્શન અને પ્રેરણાથી જ વિદ્યાર્થી જીવનમાં આગળ વધે છે. આ જ આદરભાવને વ્યક્ત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે.
સમારોહમાં જ્યુરી મેમ્બરોનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો, જેમણે નિષ્પક્ષતાપૂર્વક પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રતિભાશાળી ગુરુવર્યોને એવોર્ડ માટે પસંદ કર્યા હતા. રૂપીન પચ્ચીગર, મહેશ પમનાની, નંદિનીબેન શાહ, રંજનબેન પટેલ, ડો. રીટાબેન ફુલવાલા, પ્રહર્ષા મહેતા અને અમિબેન નાયકે જ્યુરી તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચેમ્બરના ઉપ પ્રમુખ અશોક જીરાવાલાએ ગુરૂવર્યોના સન્માન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ગૃપ ચેરમેનો અને શિક્ષકો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. સ્નેહાબેન જરીવાલા, વનિતાબેન રાવત, વંદનાબેન શાહ અને પ્લવનમી દવેએ ચાર તબકકામાં યોજાયેલા સન્માન સમારોહનું સંચાલન કર્યું હતું.